Nepal, Voting Age: નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ આજે દેશને સંબોધતા એક ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે મતદાનની ઉંમર 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવાનો નિર્ણય જાહેર કર્યો, જેનો હેતુ Gen-Z યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં વધુ સક્રિય કરવાનો છે. આ નિર્ણય Gen-Z આંદોલનના પડઘમ વચ્ચે લેવાયો છે, જે યુવા શક્તિને રાજકીય પ્રક્રિયામાં સામેલ કરવાનું લક્ષ્ય રાખે છે.
વડાપ્રધાન કાર્કીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને મતદાનનો અધિકાર આપવા કાયદામાં સુધારો શરૂ કરાયો છે.” આ સાથે, Gen-Z આંદોલન દરમિયાન નેતાઓના ઘરેથી મળેલા નાણાંની તપાસ માટે ડિપાર્ટમેન્ટ ઓફ મની લોન્ડરિંગ ઈન્વેસ્ટિગેશનને સૂચના આપવામાં આવી છે.
નેપાળના ચૂંટણી પંચે આ જાહેરાત બાદ તાત્કાલિક 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનોને મતદાર યાદીમાં નોંધણી કરાવવા નોટિફિકેશન જારી કર્યું. વડાપ્રધાને દેશની જટિલ રાજકીય પરિસ્થિતિમાંથી બહાર આવવા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ જણાવ્યું.
“અમે ચૂંટણી પંચ સાથે મળીને પ્રજાશક્તિ, બજેટ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે યોજના તૈયાર કરી છે,” એમ કાર્કીએ ઉમેર્યું. તેમણે નેપાળી નાગરિકોને આગામી ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લેવા અપીલ કરી.