National Girl Child Day 2024 : ગુજરાતની વિદ્યાર્થિનીઓએ આજે ગુજરાત વિધાનસભાનું કર્યુ સંચાલન, યોજાઈ 'તેજસ્વિની વિધાનસભા’
National Girl Child Day 2024 : વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અવસરે કહ્યું કે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી નહિ શકે.
ગુજરાતની વિદ્યાર્થિનીઓએ આજે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું.
National Girl Child Day 2024 : રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર આજે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આજે વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું આ અનેરું સોપાન છે.
ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું કે, આજે ગુજરાતની આ દીકરીઓએ જે આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. રાજ્યનું દ્રશ્ય બદલાયું છે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.
નવી પહેલ ગુજરાતે કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાશક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં નારીશક્તિ વંદન અધિનિયમ સંસદમાં પસાર કરાવીને વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. પોલિટીકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને ચિંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે વિધાનસભા ગૃહમાં ‘તેજસ્વિની વિધાનસભા’ અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ ‘તેજસ્વિની પંચાયત’ના કાર્યક્રમ દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણીની નવી પહેલ ગુજરાતે કરી છે. આ 'તેજસ્વિની વિધાનસભા' પોલિટિકલ ડેમોક્રસીથી સોશિયલ ડેમોક્રસીનો સંદેશો આપશે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ આગળ લઈ જવા તેમણે બાલિકાઓને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ મોક વિધાનસભા ‘તેજસ્વિની એસેમ્બલી’ને ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવતા કહ્યું કે, આજની તેજસ્વિની વિધાનસભામાં બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ગૃહના સંચાલન ઉપરથી વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ગુજરાતની બહેનો ઘર જ નહિં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસનધૂરા પણ સંભાળે છે એવી રીતે ભવિષ્યમાં પણ જનપ્રતિનિધિત્વ કરી રાજ્ય અને દેશનું જનપ્રતિનિધિત્વ કરશે.
તેજસ્વિનીઓ દ્વારા તંદુરસ્ત ચર્ચા
તેજસ્વિની વિધાનસભામાં ચાલેલા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જનપ્રતિનિધિત્વ માટે મહિલા આરક્ષણ સંદર્ભનું વિધેયક રજૂ કરી તેજસ્વિનીઓ દ્વારા આ વિધેયક ઉપર પર તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી.