બિહારમાં NDAનું શક્તિ પ્રદર્શન: 200+ બેઠકો સાથે ભવ્ય જીત, PM મોદીએ કહ્યું આ સુશાસનની જીત
Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં NDA ગઠબંધને 200થી વધુ બેઠકો મેળવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. જાણો પક્ષ મુજબ સંપૂર્ણ પરિણામ અને વિગતો.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં NDA ગઠબંધને 200થી વધુ બેઠકો મેળવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યની જનતાએ ફરી એકવાર NDA ગઠબંધન પર પોતાનો વિશ્વાસ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને તમામ અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરીને 200 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે, જે એક ઐતિહાસિક અને પ્રચંડ જીત દર્શાવે છે. આ શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના લોકોનો આભાર માન્યો અને તેને સુશાસન, વિકાસ અને સામાજિક ન્યાયની જીત ગણાવી.
આ ઐતિહાસિક જીત પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું, "સુશાસનની જીત થઈ છે, વિકાસની જીત થઈ છે, જન-કલ્યાણની ભાવનાની જીત થઈ છે, સામાજિક ન્યાયની જીત થઈ છે." વડાપ્રધાને બિહારના લોકોને 'પરિવારજનો' કહીને સંબોધ્યા અને આ અભૂતપૂર્વ સમર્થન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું કે આ પ્રચંડ જીત અમને બિહારની જનતાની સેવા કરવા અને નવા સંકલ્પો સાથે રાજ્યના વિકાસ માટે કામ કરવાની નવી ઊર્જા આપશે.
Good governance has won. Development has won. Pro-people spirit has won. Social justice has won. Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…
વડાપ્રધાન મોદીએ NDAના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "NDAના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે ગયા, અમારા વિકાસના એજન્ડાને રજૂ કર્યો અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા તમામ જૂઠ્ઠાણાઓનો મજબૂતીથી જવાબ આપ્યો. હું આવા મહેનતુ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું." તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં બિહારના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઈ જવા માટે મજબૂતીથી કામ કરવામાં આવશે, સાથે જ યુવા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જો ચૂંટણી પરિણામોના આંકડા પર નજર કરીએ તો, NDA ગઠબંધને વિપક્ષી મહાગઠબંધનને ખૂબ પાછળ છોડી દીધું છે. NDAના ઘટક પક્ષોમાં ભાજપે 92 બેઠકો પર, નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ) એ 82 બેઠકો પર, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ 21 બેઠકો પર, જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (હમ) એ 5 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) એ 4 બેઠકો પર શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર સમેટાઈ ગયું, જેમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ને 25, કોંગ્રેસને 5, સીપીઆઈ(એમએલ)એલ ને 3 અને સીપીઆઈ(એમ) ને 1 બેઠક મળી. આ પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.