ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ બંધારણ દિવસ પર રાજ્ય સરકારની એક અનોખી પહેલની જાહેરાત કરી છે. પરિદાએ મંગળવારે જણાવ્યું હતું કે ઓડિશાના તમામ 147 ધારાસભ્યોને રાજ્યમાં દત્તકને પ્રોત્સાહન આપવા માટે ઓછામાં ઓછા પાંચ અનાથ બાળકોને દત્તક લેવાનું કહેવામાં આવશે. પરિદા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. તેમણે કહ્યું કે આ પગલું લોકોને સમાજમાં દાખલો બેસાડવા અને અનાથ બાળકો પ્રત્યે સંવેદનશીલ વાતાવરણ બનાવવા માટે પ્રેરિત કરશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આનાથી અનાથ બાળકોનું ભવિષ્ય સુધરશે અને આવા સામૂહિક પ્રયાસોથી આંતરરાષ્ટ્રિય પટ પર મોડેલ તરીકે કામ કરવાની ક્ષમતાનો વિકાસ થશે. નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને કહ્યું, "જો ઓડિશાના દરેક ધારાસભ્ય ઓછામાં ઓછા પાંચ બાળકોને દત્તક લે તો 600થી વધુ બાળકોનું જીવન બદલી શકાય છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલનો કોઈ વિરોધ થશે નહીં.
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હાલમાં એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. "સામાજિક કાર્યકરો, વકીલો અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) ના અધિકારીઓ અનાથ બાળકો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ ધરાવે છે. વિભાગ ટૂંક સમયમાં આવા બાળકોને દત્તક લેવા અંગે અંતિમ નિર્ણય લેશે," પરિદાએ જણાવ્યું હતું. કેન્દ્રીય દત્તક એજન્સી CARA અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ઓડિશામાંથી 900 થી વધુ અનાથ બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવાની બાબતમાં ઓડિશા ટોચના 5 રાજ્યોમાંનું એક છે.
ઓડિશામાં લગભગ 329 નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓ છે, જે અનાથ, ત્યજી દેવાયેલા અને બચાવી લેવામાં આવેલા બાળકોને આશ્રય આપે છે. તેમાંથી, કેન્દ્ર સરકારની મિશન વાત્સલ્ય યોજના દ્વારા 140 કેન્દ્રો પર 8,000 થી વધુ બાળકોની સંભાળ, સંરક્ષણ, પુનર્વસન અને પુનઃ એકીકરણ માટે સહાય પૂરી પાડવામાં આવે છે.