ચિદમ્બરમના નિવેદન પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી. ભાજપના IT હેડ અમિત માલવીયાએ કહ્યું, "કોંગ્રેસે ફરી એકવાર પાકિસ્તાનને ક્લીન ચિટ આપી દીધી.
Pahalgam terrorist attack: લોકસભામાં આજે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા શરૂ થઇ છે, જ્યારે રાજ્યસભામાં આ મુદ્દે મંગળવારે ચર્ચા થશે. રાજ્યસભામાં આ માટે 9 કલાકનો સમય નક્કી કરાયો છે. આ દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન સિંદૂર અને સરકારની નીતિ અંગે સવાલો ઉઠાવ્યા છે.
ચિદમ્બરમનો સરકાર પર આરોપ
એક ઈન્ટરવ્યૂમાં ચિદમ્બરમે સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "આપણે અલગ-અલગ અધિકારીઓ પાસેથી થોડી થોડી માહિતી મેળવી રહ્યા છીએ. CDS સિંગાપોરથી નિવેદન આપે છે, આર્મીના ડેપ્યુટી ચીફ મુંબઈથી બોલે છે, નેવીના જુનિયર ઓફિસર ઈન્ડોનેશિયામાં નિવેદન આપે છે. પરંતુ આપણા પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી કે વિદેશ મંત્રી કેમ ચૂપ છે?"
ચિદમ્બરમે વધુમાં કહ્યું, "મને લાગે છે કે સરકાર રણનીતિક ભૂલો છુપાવવા માગે છે. CDSએ આવા સંકેત આપ્યા હતા. આ ભૂલો શું હતી? નવી રણનીતિ શું બનાવાઈ? સરકાર આનો જવાબ આપવા માંગતી નથી."
‘આતંકવાદીઓની ઓળખ થઈ નથી'
ચિદમ્બરમે NIAની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, "NIAએ શું કર્યું? આતંકવાદીઓની ઓળખ થઈ? તેઓ ક્યાંથી આવ્યા? આપણે ફક્ત એટલું જાણીએ છીએ કે તેઓ લોકલ આતંકવાદીઓ હતા. પાકિસ્તાનથી આવ્યા હોવાનું કેમ માની લેવાયું? આના કોઈ પુરાવા નથી."
તેમણે ઉમેર્યું, "સરકાર નુકસાન પણ છુપાવી રહી છે. મેં એક કોલમમાં લખ્યું હતું કે નુકસાન બંને પક્ષે થાય છે. ભારતને પણ નુકસાન થયું હશે. આ બાબતે ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ."
ભાજપનો પલટવાર
ચિદમ્બરમના નિવેદન પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી. ભાજપના IT હેડ અમિત માલવીયાએ કહ્યું, "કોંગ્રેસે ફરી એકવાર પાકિસ્તાનને ક્લીન ચિટ આપી દીધી. જ્યારે પણ આપણા સૈનિકો પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો સામનો કરે છે, ત્યારે કોંગ્રેસ ભારતના વિપક્ષને બદલે ઈસ્લામાબાદના વકીલની જેમ બોલવા લાગે છે."
સંસદમાં ચર્ચાનો દોર
લોકસભામાં આજે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઇ રહી છે, જ્યારે રાજ્યસભામાં મંગળવારે આ મુદ્દે ચર્ચા થશે. આ ચર્ચામાં આતંકવાદ વિરુદ્ધ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડનાર બહુપક્ષીય પ્રતિનિધિમંડળના સાંસદો પણ ભાગ લે તેવી શક્યતા છે.