PM IN DWARKA: PM મોદીએ ભગવાન શ્રી દ્વારકાધીશના કર્યા દર્શન, દ્વારકાના દરિયામાં સ્કુબા કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો કર્યો અનુભવ | Moneycontrol Gujarati
Get App

PM IN DWARKA: PM મોદીએ ભગવાન શ્રી દ્વારકાધીશના કર્યા દર્શન, દ્વારકાના દરિયામાં સ્કુબા કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો કર્યો અનુભવ

PM IN DWARKA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. પીએમએ દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભક્તિભાવ પૂર્વક શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક પ્રધાનમંત્રીને પાદુકાપૂજન કરાવ્યું હતું.

અપડેટેડ 07:43:47 PM Feb 25, 2024 પર
Story continues below Advertisement
PM મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું.

PM IN DWARKA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે હતા આ મુલાકાત દરમિયાન તેમણે જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ પીએમએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પીએમએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.

રુપિયા ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત

પૌરાણિક નગરી દ્વારકા ખાતેથી PM નરેન્દ્ર મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.આ સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓએ દ્વારકાના દરિયામાં સ્કુબા કરવાનો મોકો મળ્યો, પીએમએ કહ્યું કે, દરિયામાં દ્વારકાનાં દર્શન કર્યા ત્યારે પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ મોરપંખ પણ સાથે લઈ ગયા હતા, જે તેમણે દરિયામાં અર્પિત કર્યું હતું.


સુદર્શન સેતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ

આ સાથે પીએમએ જણાવ્યું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે. સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા મોદીએ ઉમેર્યું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.

કોંગ્રેસે દેશની જરૂરિયાતો સાથે કર્યો વિશ્વાસઘાત

ભૂતકાળના શાસકોને આડેહાથ લેતા પીએમએ જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બચાવવા માટે જ શાસન કર્યું હતું. દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. ભૂતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા. મોદીએ એમ પણ ઉમેર્યું કે, દેશમાં ટેલીકોમની વિકાસ કરવાની વાત હતી ત્યાં ટુજી કૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમન વેલ્થ કૌભાંડ, રક્ષાક્ષેત્રમાં હેલીકોપ્ટર અને સબમરિન કૌભાંડ કરી ભૂતકાળના શાસકો દ્વારા દેશની જરૂરિયાતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આ પણ વાંચો-First Time in History, ખાનગી કંપનીનું યાન પ્રથમ વખત ઉતર્યું ચંદ્રની સપાટી પર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 25, 2024 7:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.