આ ઘટના બિહારના રાજકીય વાતાવરણમાં હલચલ મચાવી રહી છે. રાહુલ ગાંધીના આ વીડિયો અને નિવેદનથી લોકશાહીની પ્રક્રિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે બિહારના કેટલાક મતદાતાઓ સાથે મુલાકાત કરી, જેમને વોટર લિસ્ટમાં મૃત ઘોષિત કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ વ્યંગાત્મક રીતે કહ્યું, “જીવનમાં ઘણા રસપ્રદ અનુભવો થયા, પણ મૃત લોકો સાથે ચા પીવાનો મોકો પહેલીવાર મળ્યો. આ અનોખા અનુભવ માટે ચૂંટણી પંચનો આભાર.”
રાહુલ ગાંધીએ આ વીડિયોમાં બિહારના રાઘોપુર વિધાનસભા વિસ્તારના કેટલાક લોકો સાથે વાતચીત કરી, જેમણે દાવો કર્યો કે તેમના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને તેમને મૃત ઘોષિત કરાયા છે. વીડિયોમાં એક વ્યક્તિએ જણાવ્યું કે એક પંચાયતમાં લગભગ 50 લોકોની આવી જ સ્થિતિ છે. તેઓ 3થી 4 પોલિંગ બૂથનું પ્રતિનિધિત્વ કરે છે.
जीवन में बहुत दिलचस्प अनुभव हुए हैं, लेकिन कभी 'मृत लोगों' के साथ चाय पीने का मौका नहीं मिला था।
આ મુદ્દે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “ચૂંટણી પંચ આ ડેટા આપવા માંગતું નથી, કારણ કે ડેટા આપશે તો તેમનો આખો ખેલ ખતમ થઈ જશે.” તેમણે વધુમાં જણાવ્યું કે બિહારમાં લગભગ 65 લાખ મતદાતાઓના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેમાંથી 36 લાખ લોકો શિફ્ટ થયા હોવાનું કહેવાય છે, પરંતુ આ અંગે સ્પષ્ટ માહિતી નથી.
આ મામલે વિપક્ષ લોકશાહીની પારદર્શિતા પર સવાલ ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધીએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં એક મહિલા 6 કલાક ઊભી રહીને પોતાનો મુદ્દો રજૂ કરી ચૂકી છે. વિપક્ષનો આરોપ છે કે વોટ ચોરીના આ મામલામાં ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારની ભૂમિકા શંકાસ્પદ છે.
આ ઘટના બિહારના રાજકીય વાતાવરણમાં હલચલ મચાવી રહી છે. રાહુલ ગાંધીના આ વીડિયો અને નિવેદનથી લોકશાહીની પ્રક્રિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણી પંચ આ આરોપોનો શું જવાબ આપે છે, તેના પર સૌની નજર છે.