પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કાલે મતદાન. ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ. આવો જાણીએ ગુજરાતના પ્રથમ તબક્કામાં કેવી ચાલી રહી છે તૈયારીઓ.
જામનગરની 5 બેઠકો પર આવતીકાલે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી આવતીકાલે યોજાવા જઈ રહી છે. ત્યારે જામનગરમાં આવતીકાલે 5 બેઠકો પર ચૂંટણી યોજવાની છે. ત્યારે જામનગરમાં ગ્રામ્ય, ઉત્તર અને દક્ષિણ બેઠક માટે પોલિંગ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી રહી છે. જામનગરના ઓશવાળ સ્કૂલ, પ્રભૂરાજ સંઘરાજ શાહ અને ડી.કે.વી કૉલેજથી ઇવીએમ સહિતની સામગ્રી આપી સ્ટાફને રવાના કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં 5 બેઠકો પર આવતીકાલે 45 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. કુલ 12,08,571 મતદારો માટે ચૂંટણી યોજવાની છે. જામનગર જિલ્લામાં કુલ 1289 મતદાન મથકો પર લોકશાહીનું પર્વ ઉજવાશે ત્યારે જિલ્લા ભરમાં કુલ 3867 લોકોના સ્ટાફને વિવિધ ટીમો બનાવી ચૂંટણી ફરજ માટે રવાના કરાઈ રહ્યો છે.
રાજકોટમાં થઇ EVMની ફાળવણી
રાજકોટમાં ચાર જુદી જુદી જગ્યાએથી ઇવીએમ વિવિપેટની ફાળવણી કરાઈ.. રાજકોટના ચૌધરી હાઇસ્કુલ, પીડી માલવિયા કોલેજ, શેઠ હાઇસ્કુલ, વિરાણી હાઇસ્કુલ સહિતના ડિસ્પેચિંગ સેન્ટર પરથી ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે.. આવતીકાલે જ્યારે પ્રથમ ચરણમાં 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે મતદાનની પ્રક્રિયા શાંતિમય માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે અર્ધ લશ્કરી દળો, પોલીસના જવાનો, અધિકારીઓ, હોમગાર્ડ તેમજ એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
સુરતમાં આવતીકાલે ચૂંટણી, તૈયારીઓ પૂરજોશમાં
સુરત જિલ્લાની 16 બેઠકો માટે આવતીકાલે થશે મતદાન. ત્યારે આજે EVM VVPET મશીનનું વિતરણ કરવામાં આવશે. શહેરની કુલ 12 બેઠકો માટે 4637 મતદાન મથકો પર તમામ તૈયારીઓ ચાલી રહી છે.
મોરબીમાં મતદાન માટેની તૈયારીઓનો ધમધમાટ
આવતીકાલે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન માટેની તૈયારીઓનો ધમધમાટ શરુ છે. તેવામાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણી પૂર્વે ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી હતી અને ત્રણેય વિધાનસભા બેઠકો પર CISFની ત્રણ ટુકડીઓ ઉતારવામાં આવી છે.
ગીરસોમનાથની 4 બેઠક પર આવતીકાલે મતદાન
ગીરસોમનાથ જિલ્લાની આવતી કાલે ચાર વિધાનસભા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. જેને લઈને જિલ્લાભારમાં ઈવીએમમાં ફાળવળી કરવામાં આવી છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે 1077 મતદાન મથકો મતદાન થશે. તો 9734 દિવ્યાંગ મતદારો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે 4,800 જવાનો ખડે પગે રહેશે.
વલસાડની 5 બેઠકો પર આવતીકાલે મતદાન
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે આજે મતદાન માટે તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ મશીનને અને મતદાનના સાહિત્ય સાથે મતદાન મથકો પર પહોચાડવાની કાર્યવાહિ કરવામા આવી હતી. વલસાડની પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર કુલ 35 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. તો આવતીકાલે યોજાનાર મતદાન માટે તંત્ર સજ્જ છે. ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



