Indian Economy: ટેરિફની ટેન્શન વચ્ચે શશિ થરૂરનો ટૂરિઝમ ફોર્મ્યુલા, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
શશિ થરૂરે અમેરિકન ટેરિફના કારણે રોજગાર સંકટ વચ્ચે ટૂરિઝમ સેક્ટર પર ફોકસ કરવાની સલાહ આપી. જાણો ભારતના ટૂરિઝમને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવાનો તેમનો પ્લાન અને બજેટ 2025-26ની યોજનાઓ.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકન ટેરિફના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર થતી અસર અને રોજગાર સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ તેમણે ટૂરિઝમ સેક્ટરને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવાની હિમાયત કરી. તેમણે જણાવ્યું કે ટેરિફના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારની તકો ઘટી રહી છે, જેનો સામનો કરવા ટૂરિઝમ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
ટેરિફની અસર અને રોજગાર સંકટ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતમાંથી થતા આયાત પર 50% ટેરિફ લાગુ થયા છે, જેના કારણે ખાસ કરીને સુરત જેવા શહેરોમાં 1,00,000થી વધુ નોકરીઓ જોખમમાં છે. થરૂરે સિંગાપોરમાં આ મુદ્દે ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભારતીય અર્થવ્યવસ્થા માટે આ નિર્ણયને નુકસાનકારક ગણાવ્યો હતો.
ટૂરિઝમથી રોજગારની તકો
મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં થરૂરે કહ્યું, "ઓટોમેશનના કારણે મેન્યુફેક્ચરિંગમાં રોજગારની તકો મર્યાદિત છે, પરંતુ ટૂરિઝમ સેક્ટર અકુશળ અને ઓછા કુશળ કામદારોને પણ રોજગાર આપી શકે છે." તેમણે દુબઈ અને સિંગાપોર જેવા નાના દેશોનું ઉદાહરણ આપ્યું, જ્યાં ભારતની સરખામણીમાં 10 થી 20 ગણા વધુ પ્રવાસીઓ આવે છે. તેમણે વધુ હોટેલ્સ, સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
બજેટ 2025-26માં ટૂરિઝમ પર ફોકસ
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ટૂરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 2541.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2023માં આ સેક્ટરે 7.6 કરોડ રોજગારની તકો ઊભી કરી હતી. સરકારે 50 ટોચના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિકસાવવા, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા, હોમસ્ટે માટે મુદ્રા લોન અને પરફોર્મન્સ આધારિત ઈન્સેન્ટિવની જોગવાઈ કરી છે.
શું છે થરૂરનો પ્લાન?
શશિ થરૂરનું માનવું છે કે ટૂરિઝમને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવીને ભારત યુવાઓ માટે મોટા પાયે રોજગારની તકો ઊભી કરી શકે છે. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાની હિમાયત કરી, જેથી ભારત ગ્લોબલ ટૂરિઝમ હબ બની શકે.