ગુડ ગવર્નેન્સ. રાજ્યની રૂપાણી સરકારનો આ મૂળ મંત્ર છે. જેને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે એક અનોખી પહેલ. જેમાં એક ક્લિક માત્રથી રખાઈ છે આખા ગુજરાત પર નજર. જેની પાછળ સીએમનો એક જ ઉદ્દેશ છે કે છેવાડાના નાગરિક સુધી ઝડપથી સરકારી લાભ પહોંચે.
રાજ્યના સર્વાંગિ વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ, આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે સરકારી યોજનાનો લાભ રાજ્યનો છેવાડાનો માનવી લઈ રહ્યો છે. પરંતુ આ યોજનાના કામકાજમાં ગતિ અને તેનાથી કોઈ પણ લાભાર્થી વંચિત ના રહેતે માટે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સીધી નજર રાખી રહ્યા છે. જેના માટે સીએમ ડેશબોર્ડ તૈયાર કરાયું છે.
સીએમ ડેશબોર્ડ એક એવો પ્રોગ્રામ કે જેના માધ્યમથી ગુજરાતના વહીવટને નવી ઉંચાઈ પર લઈ જવા પ્રયાસ કરાયો છે. આ પ્રોગ્રામના કારણે કોઈ કર્મચારી કે અધિકારી પોતાની જવાબદારીથી છટકી નથી શક્તો. સરકારી કર્મચારી પોતાને મળેલા કાર્યને નિયત સમયમર્યાદામાં લક્ષ્યાંક સુધી પહોંચવું ફરજિયાત બન્યું છે.
કચ્છના છેવાડાના ગામથી લઈને સોમનાથ સુધી. દક્ષિણમાં ડાંગથી લઈને ઉત્તરમાં વાવ સુધી દરેક ગામ, શહેર, જિલ્લાના વહીવટની પળેપળની માહિતી સીધી જ સીએમ સુધી પહોંચે છે. રાજ્યના મુખ્ય 26 વિભાગો જેને ડેશબોર્ડમાં 20 સેક્ટરમાં વિભાજીત કરાયા છે. અને 20 સેક્ટરમાં પણ અલગ અલગ 700 જેટલા પેટા સેક્ટર બનેલા છે.
રાજ્યની સરકાર હોસ્પિટલ્સમાં દરરોજ આવતા દર્દીઓ, તેમનું નિદાન તેમજ સારવારની દરેક વિગત દરેક મિનિટે ડેશબોર્ડના માધ્યમથી સીધી જ ગાંધીનગર પહોંચે છે. ઈમરજંસી સારવાર માટે આવેલા દર્દીને તાત્કાલિક સારવાર મળી કે નહીં તેની પણ વિગતની નોંધ થાય છે. જો ક્યાંય પણ સ્થિતિ અસામાન્ય લાગે તો ડેશબોર્ડના માધ્યમથી તરત જ એ ખામી પકડીને જવાબદાર કર્મચારી, અધિકારીનો ખુલાસો માગવામાં આવે છે. ખાસ વાત એ છે કે સીએમ કઈ હોસ્પિટલમાં કઈ બીમારીને કેટલા દર્દીઓ છે તેની રિયલ ટાઈમ જાણકારી સીએમ પાસે હોય છે. રાજ્યભરની ઈમરજંસી સેવા 108ની એમ્બ્યૂલંસ દિવસ દરમિયાન ક્યાં ક્યાં ગઈ. રિયલ ટાઈમ ક્યાં પહોંચી તેની પણ જાણકારી ડેશબોર્ડ પર મળે છે.
માત્ર બે-પાંચ જિલ્લા કે તાલુકામાં નહીં ગુજરાત સરકાર આ મોનિટરિંગ સિસ્ટમને તમામ 33 જિલ્લા અને 18 હજાર 569 ગામડાઓમાં લાગુ કરી ચૂકી છે.
સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરેક શાળાના શિક્ષકો અને તેના વિદ્યાર્થીઓ પર નજર રખાઈ રહી છે. શિક્ષક અને વિદ્યાર્થી ક્યારે શાળાએ પહોંચ્યા અને કોઈ ગેરહાજર છે, કયા કારણથી છે તે બધું જ એક ક્લિકના આધારે તરત જ મળી રહે છે. આ પ્રણાલીથી શિક્ષકો સમયસર શાળાએ પહોંચતા થયા છે. વિદ્યાર્થીઓની ગેરહાજરીની સમસ્યામાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે.
દરેક જિલ્લાના અધિકારીઓની કામગીરીની આ સિસ્ટમમાં નોંધ રખાઈ છે. કામગીરીના માપદંડો નક્કી કરેલા છે. નિયત મર્યાદા કરતાં જ્યારે કોઈ અધિકારીની કામગીરી નબળી પડે તો તરત જ સિસ્ટમમાંથી એક મેસેજ જનરેટ થાય છે. અને અધિકારીને એલર્ટ મળે છે કે તેણે પોતાનું કામ સુધારવાની જરૂર છે.
નબળી કે સારી કામગીરી માત્ર જોવામાં આવે છે એટલું જ નહીં દર સપ્તાહે યોજાતી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થાય છે. સંબંધિત વિભાગના મંત્રીને ડેશબોર્ડના આધારે તૈયાર થયેલો રિપોર્ટ સોંપવામાં આવે છે. એટલે પોતાના વિભાગની કામગીરી અંગે મંત્રીને પણ સુધારા-વધારા કરવાનો અવકાશ મળે છે.