Tejashwi Yadav Supreme Court: અપરાધિક માનહાનિના કેસમાં ફસાયેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મોટી રાહત મળી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. વાસ્તવમાં યાદવે ગુજરાતીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે, તેણે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે.'
યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું હતું કે તે પોતાનું નિવેદન પાછું ખેંચી લેશે. આ પછી, 29 જાન્યુઆરીએ, કોર્ટે યાદવને બિનશરતી નિવેદન પાછું ખેંચવા માટે બીજું યોગ્ય નિવેદન આપવાનો આદેશ આપ્યો. બાદમાં આરજેડી નેતા વતી બીજી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાનું માનવું હતું કે જ્યારે માફી માંગવામાં આવી છે તો પછી કેસને આગળ કેમ લઈ જાઓ.
ફરિયાદ અનુસાર, માર્ચ 2023માં મીડિયા સાથેની વાતચીત દરમિયાન યાદવે કહ્યું હતું કે, 'વર્તમાન સ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ છેતરપિંડી કરી શકે છે અને તેમની છેતરપિંડી માફ કરવામાં આવશે.' તેમણે કહ્યું, 'જો તેઓ એલઆઈસી કે બેંકના પૈસા લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે?' મહેતાએ કહ્યું કે આરજેડી નેતાના નિવેદનથી તમામ ગુજરાતીઓનું અપમાન થયું છે.