સિંધિયા પરિવારે ભલે કોંગ્રેસમાં પ્રવેશ કરીને રાજકારણમાં એન્ટ્રી કરી હોય, પણ ટૂંક સમયમાં જ કોંગ્રેસથી પરિવારનો મોહભંગ થઈ ગયો અને પછી જનસંઘનો હાથ પકડી લીધો. જો કે એક સમય એવો પણ આવ્યો, જ્યારે સિંધિયા પરિવાર પોતે ભાજપ કોંગ્રેસમાં વિભાજિત થઈ ગયો.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં હંમેશાથી એક નામ જાણીતું રહ્યું છે, આ નામ છે સિંધિયા પરિવાર. રાજાશાહીના વખતથી સિંધિયા પરિવાર ગ્વાલિયરનો શાસક રહ્યો છે. આઝાદી બાદ રાજાશાહીનો અંત આવતા સિંધિયા પરિવારે રાજકારણની શરણ લીધી.
રાજમાતા વિજયારાજે સિંધિયાએ 1957માં કોંગ્રેસમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. તેઓ ગુના બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. જો કે 10 વર્ષમાં જ કોંગ્રેસથી તેમનો મોહભંગ થઈ ગયો અને 1967માં તેઓ જનસંઘ સાથે જોડાયા. વિજયારાજે સિંધિયાના કારણે જ ગ્વાલિયર ક્ષેત્રમાં જનસંઘ મજબૂત થયો અને 1971માં ઈંદિરા ગાંધીની લહેર છતા જનસંઘ અહીંની ત્રણ બેઠકો જીતવામાં સફળ રહ્યો. વિજયારાજે સિંધિયા ભિંડ, અટલ બિહારી વાજપેયી ગ્વાલિયર અને વિજયા રાજે સિંધિયાના પુત્ર અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા ગુના બેઠક પરથી સાંસબ બન્યા.
માધવ રાવ સિંધિયા ફક્ત 26 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. જો કે તેઓ વધુ સમય સુધી જનસંઘ સાથે ન રહ્યા. 1977માં ઈમરજન્સી બાદ તેઓ કોંગ્રેસથી અલગ થઈ ગયા. 1980માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતીને કેન્દ્રમાં મંત્રી બન્યા. થોડા સમયમાં જ તેઓ ગાંધી પરિવારની નજીક આવી ગયા.
માધવરાવની સાથે વિજયારાજે સિંધિયાની બે પુત્રીઓ વસુંધરા રાજે અને યશોધરા રાજેએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી. 1984માં વસુંધરા રાજે ભાજપમાં સામેલ થયા. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર દુષ્યંતસિંહ પણ સાંસદ છે.
જો કે યશોધરા સિંધિયા 1977માં અમેરિકા જતા રહ્યા. તેમના બાળકોએ પણ રાજકારણમાં રસ ન દેખાડ્યો. 1994માં જ્યારે યશોધરા ભારત પરત ફર્યા અને ભાજપમાં જોડાયા, ત્યારબાદ 1998માં મધ્યપ્રદેશ વિધાનસભા માટે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા યશોધરા રાજે શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં મંત્રી પણ રહ્યા છે.
વર્ષ 2001માં વિમાન અકસ્માતમાં માધવરાવ સિંધિયાનું મોત થયું અને જ્યોતિરાદિત્યએ પોતાના પિતાનો વારસો સંભાળ્યો. તેઓ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મજબૂત બનાવતા ગયા. ગુના બેઠક પર પેટા ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સાંસદ તરીકે ચૂંટાયા. 2002માં પહેલી જીત બાદ તેઓ ક્યારેય હાર્યા નથી. જો કે 2019માં તેમને ઝટકો લાગ્યો. તેમના જ સહયોગી રહેલા કે પી યાદવે સિંધિયાને હરાવ્યા હતા.
આ ઉપરાંત વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત પણ ભાજપમાં છે અને રાજસ્થાનની ઝાલાવાડ બેઠક પરથી સાંસદ છે. જ્યોતિરાદિત્ય પણ ભાજપમાં જોડાતા ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાયેલો સિંધિયા પરિવાર હવે ભાજપમાં સમેટાયો છે.