સીપી રાધાકૃષ્ણન દ્વારા કુલ 4 સેટમાં નામાંકન દાખલ કરવામાં આવ્યું.
Vice Presidential Election 2025: ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025 માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. ખાસ વાત એ છે કે, PM મોદીએ પોતે રાધાકૃષ્ણનના નામાંકનમાં પ્રસ્તાવક તરીકે હસ્તાક્ષર કર્યા.
નામાંકનની પ્રક્રિયા
સીપી રાધાકૃષ્ણન દ્વારા કુલ 4 સેટમાં નામાંકન દાખલ કરવામાં આવ્યું. દરેક સેટમાં 20 પ્રસ્તાવક અને 20 અનુમોદક સાંસદોના હસ્તાક્ષર શામેલ છે. પ્રથમ સેટમાં વડાપ્રધાન મોદીએ પ્રસ્તાવક તરીકે હસ્તાક્ષર કર્યા, જ્યારે બાકીના ત્રણ સેટમાં કેન્દ્રીય મંત્રીઓ અને NDA સાંસદોના હસ્તાક્ષર સામેલ છે.
NDA candidate for Vice President post, C.P. Radhakrishnan files his nomination in the presence of PM Narendra Modi. pic.twitter.com/fWhDb0d9EG
બીજી તરફ, ઇન્ડિયા બ્લોકે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર જાહેર કર્યા છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી નેતાઓની બેઠકમાં રેડ્ડીના નામ પર સહમતિ સધાઈ. બી. સુદર્શન રેડ્ડી તેલંગાણાના છે અને તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તેમજ ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. 2011માં તેઓ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. તેલંગાણામાં કોંગ્રેસ સરકારે જાતિગત સર્વેના ડેટાના વિશ્લેષણ માટે રચેલી સમિતિના અધ્યક્ષ પણ તેઓ હતા. રેડ્ડી 21 ઓગસ્ટ, 2025ના રોજ નામાંકન દાખલ કરશે.
રાજકીય ગતિવિધિઓ
NDA અને ઇન્ડિયા બ્લોકના ઉમેદવારોના નામ જાહેર થતાં જ સાંસદોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ NDA તરફથી વિપક્ષી દળો સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત, સીપી રાધાકૃષ્ણને પણ મંગળવારે NDA નેતાઓ સાથે મુલાકાત કરી અને સમર્થન માંગ્યું.