Godrej Properties buys Raj Kapoor Bungalow: ગોદરેજ ગ્રૂપની રિયલ એસ્ટેટ શાખા ગોદરેજ પ્રોપર્ટીઝે ચેમ્બુરમાં રાજ કપૂરનો બંગલો ખરીદ્યો છે. આની જાહેરાત કરતાં ગોદરેજ પ્રોપર્ટીઝે કહ્યું કે તે અહીં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવશે. આ સાઇટ મુંબઈના ચેમ્બુરમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS) ની નજીક આવેલી છે, કંપનીએ 17 ફેબ્રુઆરીએ BSEને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું. તે સૌથી પ્રીમિયમ રહેણાંક વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે.
રેસિડેન્શિયલ કોમ્યુનિટી બનાવશે કંપની
Godrej Propertiesના MD અને CEO ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે, “અમને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટને અમારા પોર્ટફોલિયોમાં ઉમેરવાનો આનંદ થાય છે અને અમને આ તક આપવા બદલ કપૂર પરિવારના આભારી છીએ. છેલ્લા કેટલાક સમયથી મોંઘી પ્રોપર્ટીની ઘણી માંગ છે. આ પ્રોજેક્ટ ચેમ્બુર વિસ્તારમાં અમારી સ્થિતિ મજબૂત કરશે. અમે એક આકર્ષક રહેણાંક સમુદાય બનાવીશું જે તેના રહેવાસીઓ માટે લાંબા ગાળાનું મૂલ્ય પૂરું પાડે છે અને તેમને સાઇટના વારસાનો આનંદ માણવા દે છે.”
રણધીર કપૂરે શું કહ્યું?
કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ જમીન કપૂર પરિવારના કાનૂની વારસદારો પાસેથી ખરીદવામાં આવી હતી. વિકાસ અંગે ટિપ્પણી કરતા, રાજ કપૂરના પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, “અમે ચેમ્બુરની આ રહેણાંક મિલકત સાથે ભાવનાત્મક જોડાણ ધરાવીએ છીએ અને તે અમારા પરિવાર માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ સ્થાનના વિકાસના આગલા તબક્કામાં આ સમૃદ્ધ વારસાને આગળ લઈ જવા માટે અમે ફરી એકવાર ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે જોડાઈને આનંદ અનુભવીએ છીએ.”
R.K સ્ટુડિયો 2019માં ખરીદવામાં આવ્યો હતો
મે 2019માં, ગોદરેજ પ્રોપર્ટીઝે પ્રીમિયમ મિશ્ર-ઉપયોગ પ્રોજેક્ટ, ગોદરેજ RKSના વિકાસ માટે કપૂર પરિવાર પાસેથી ચેમ્બુર સ્થિત RK સ્ટુડિયો ખરીદ્યો હતો. આ પ્રોજેક્ટ 2023માં પૂરો થવાનો અંદાજ છે.