સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં તેમનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. આ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. પાલિકા દ્વારા લોકોને અને ખાસ કરીને દુકાનદારો અને લારી સંચાલકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવે છે. ત્યાર પોરબંદરના યાર્ડમાં ગ્રાહકોને સીધા જ શાકભાજી વેચવા આવતા ખેડૂતો પર્યાવરણ બચાવવાનું કામ કરે છે. આ ખેડૂતો કોઇ પણ પ્રકારની પ્લાસ્ટિકની બેગ રાખતા નથી આથી, યાર્ડમાં શાકભાજી લેવા આવતા ગ્રાહકોને ફરજીયાત કપડાં અથવા પેપરની બેગ લઈને જવું પડે છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિકનો નાશ થતો નથી અને આ પ્લાસ્ટિક પશુઓ ખાય છે, જેના કારણે તેમને પણ નુકશાન થાય છે આથી અહીં શાકભાજી વેચવા એક પણ ખેડૂતો કોઇ પણ પ્રકારની પ્લાસ્ટિકની બેગ રાખતા નથી અને ગ્રાહકોને સીધું શાકભાજી આપી દે છે. જો કે, હવે ગ્રાહકો પણ ઘરેથી બેગ લઈને આવે છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની સુચનાનો નાના ખેડૂતો અમલ કરી રહ્યા છે. આ રીતે દરેક વેપારીઓ અને લારીવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે નહીં તો પર્યાવરણને ચોક્કસ પણે બચાવી શકાય તેમ પણ ખેડૂતોએ જણાવ્યું હતું.
પોરબંદરના માર્કેટ યાર્ડમાં અનેક ખેડૂતો ધાણાભાજી, મુળા, ફુદીનો, બીટ અને લીમડો ગ્રાહકોને સીધું વેચવા માટે આવે છે. આ ખેડૂતો ગ્રાહકોને પ્લાસ્ટિક અન્ય કોઈ બેગ આપતા ન હોવાના કારણે શાકભાજી લેવા આવતા લોકોમાં પણ જાગૃતિ આવી છે, અને તેઓ ઘરેથી કાપડની થેલી લઈને શાકભાજી લેવા આવે છે.
એક સમય હતો કે લોકો થેલી લઇ શાકભાજી લેવા જતા
પ્લાસ્ટિકની બેગનો વધારે વપરાશ ન હતો તે સમયે લોકો શાકભાજી લેવા ઘરેથી જ કાપડની બેગ લઈને જતા પરંતુ જ્યારથી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ વધ્યો છે. ત્યારથી લોકો સીધા શાકમાર્કેટમાં કે, બજારમાં સીધા ખરીદી માટે પહોંચી જાય છે અને પ્લાસ્ટિકની બેગમાં વસ્તુઓ લાવે છે.