India-Pakistan air ban: ભારત-પાકિસ્તાન હવાઈ પ્રતિબંધ, કોને વધુ નુકસાન?
India-Pakistan air Ban: ભારત અને પાકિસ્તાને એકબીજાના હવાઈ માર્ગો બંધ રાખવાનો નિર્ણય 24 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવ્યો. ભારતીય એરલાઈન્સને વધુ નુકસાન, ઈંધણ ખર્ચમાં વધારો અને ફ્લાઈટ રદ. વધુ જાણો આ ન્યૂઝમાં.
એપ્રિલમાં પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને 24 એપ્રિલે પોતાનું એરસ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કર્યું હતું.
India-Pakistan air Ban: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે હવાઈ માર્ગો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને દેશોએ એકબીજાના એરસ્પેસ પર પ્રતિબંધ લંબાવીને 24 સપ્ટેમ્બર 2025 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારતના નવા NOTAM (નોટિસ ટૂ એરમેન) અને પાકિસ્તાનના 20 ઓગસ્ટના NOTAMને અનુસરે છે. આ પ્રતિબંધ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી હતી.
પ્રતિબંધની શરૂઆત અને પરિણામો
એપ્રિલમાં પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને 24 એપ્રિલે પોતાનું એરસ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કર્યું હતું. જવાબમાં ભારતે 30 એપ્રિલે પાકિસ્તાની એરલાઈન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું. ત્યારથી દર મહિને NOTAM જારી કરીને આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે, બંને દેશોના એરસ્પેસ અન્ય દેશોની એરલાઈન્સ માટે ખુલ્લા છે.
ભારતીય એરલાઈન્સ પર ભારે અસર
આ પ્રતિબંધની સૌથી વધુ અસર ભારતીય એરલાઈન્સ પર પડી છે. પાકિસ્તાન ઈન્ટરનૅશનલ એરલાઈન્સ (PIA)ની આંતરરાષ્ટ્રીય હાજરી ઓછી હોવાથી તેને નુકસાન નજીવું થયું છે. જ્યારે ભારતીય એરલાઈન્સને લાંબા રૂટ લેવા પડે છે, જેના કારણે ઈંધણ ખર્ચ અને ઓપરેશનલ કોસ્ટમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, દિલ્હી-લંડન ફ્લાઈટ હવે લગભગ 2 કલાક વધુ સમય લે છે. ઈન્ડિગો એરલાઈને દિલ્હી-અલ્માટી અને તાશકંદની ફ્લાઈટ્સ રદ કરવી પડી, કારણ કે આ રૂટ હવે તેના વિમાનોની રેન્જથી બહાર છે.
એર ઈન્ડિયાનો અંદાજ છે કે આ પ્રતિબંધથી તેને વાર્ષિક 60 કરોડ ડોલરનું નુકસાન થશે. 2019માં પાકિસ્તાને 4 મહિનાથી વધુ સમય સુધી એરસ્પેસ બંધ રાખ્યું ત્યારે ભારતીય એરલાઈન્સને 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
યાત્રીઓને પણ મુશ્કેલી
આ પ્રતિબંધની અસર યાત્રીઓ પર પણ પડી છે. ફ્લાઈટ્સ લાંબી થઈ છે અને કેટલીક રદ થઈ છે. ભારતીય એરલાઈન્સની લગભગ 800 સાપ્તાહિક ફ્લાઈટ્સ, જે ઉત્તર ભારતથી પશ્ચિમ એશિયા, કોકેસસ, યુરોપ, બ્રિટન અને પૂર્વી ઉત્તર અમેરિકા જાય છે, તેને લાંબા રૂટ લેવા પડે છે.
આગળ શું?
ભારત અને પાકિસ્તાને 24 સપ્ટેમ્બર 2025, સવારે 5:29 સુધી એરસ્પેસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. આ સ્થિતિ ક્યારે સુધરશે તે હજુ અસ્પષ્ટ છે, પરંતુ બંને દેશોના તણાવને જોતાં હાલ નરમીના કોઈ સંકેત નથી.