વિદેશમાં રહેતા ભારતીયોને મળશે ડ્યુઅલ સિટીઝનશીપ? વિદેશ મંત્રી એસ.જયશંકરે કહી મોટી વાત | Moneycontrol Gujarati
Get App

વિદેશમાં રહેતા ભારતીયોને મળશે ડ્યુઅલ સિટીઝનશીપ? વિદેશ મંત્રી એસ.જયશંકરે કહી મોટી વાત

વિદેશમાં વસતા ભારતીયોને ડ્યૂઅલ સિટીઝનશીપ એટલે કે દ્વિ-રાષ્ટ્રીયતા આપવા અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે નિવેદન આપ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોને બેવડી નાગરિકતા આપવામાં આવતી સુરક્ષા અને આર્થિક પડકારો અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રવાસી ભારતીય નાગરિકતા (OCI) કાર્ડની વધતી માંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બેવડી નાગરિકતા અંગેની ચર્ચા હજી પણ ચાલી રહી છે.

અપડેટેડ 01:33:25 PM Dec 23, 2023 પર
Story continues below Advertisement

ઘણા દેશો પોતાના નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા સ્વીકારવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં એમ નથી. ભારતીય નાગરિકે અન્ય દેશમાં જઈને વસવાટ કર્યો હોય અને તેને ત્યાંની નાગરિકતા જોઈતી હોય તો ભારતનું નાગરિકત્વ જતું કરવું પડે છે. હાલમાં જ વિદેશમાં વસેલા ભારતીય નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા આપવા અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે વાત કરી હતી. શુક્રવારે વિદેશ મંત્રીએ જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોને બેવડી નાગરિકતા આપવામાં ઘણી જટિલતા છે. ચેન્નાઈમાં ભારતીય ઉદ્યોગ સંઘ (CII) આયોજિત 20મી યંગ ઈન્ડિયન્સ નેશનલ સમિટ 'ટેકપ્રાઈડ 2023'માં ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં એસ. જયશંકરે બેવડી નાગરિકતાના મુદ્દે ટિપ્પણી કરી હતી.

એસ. જયશંકરે કહ્યું કે, "ડ્યુઅલ સિટિઝનશીપ આપવામાં સુરક્ષા અને આર્થિક બાબતોને લગતા પડકારો છે. કયા દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા આપવી તે પણ એક મોટો પડકાર છે. ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI)ની વધતી માગને પહોંચી વળવા માટે બેવડી નાગરિકતા આપવા અંગે વિચારણા કરી શકાય. પરંતુ હજી પણ બેવડી નાગરિકતાના મુદ્દે ચર્ચા-વિચારણા ચાલુ છે." ઉલ્લેખનીય છે કે, ભારતમાં વસેલા ભારતીય ઉદ્યોગ સાહસિકોને વેપાર કરવામાં સરળતા રહે અને તેમના માટે બેવડી નાગરિકતાની સંભાવના કેટલી છે તે અંગેનો સવાલ સમિટમાં એક પાર્ટિસિપન્ટે પૂછ્યો હતો. જેના જવાબમાં એસ. જયશંકરે આ વાત કરી હતી.

થોડા દિવસ પહેલા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની 24 બેઠકો અનામત રાખવા અંગે અને ત્યાં સંભવિત રીતે ચૂંટણી યોજવાની વાત કરી હતી. આ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં એસ. જયશંકરે કહ્યું, "આ ભારતની સાર્વભૌમત્વની પુષ્ટિ છે. ચૂંટણી કરાવવાનું તંત્ર જટિલ છે પરંતુ મૂળ સંદેશ આપી દેવામાં આવ્યો છે અને તે સ્પષ્ટ છે."


અગાઉ સમિટમાં જયશંકરે કહ્યું હતું કે, જ્યારે પણ તેઓ ભારત અંગે વિચારે છે ત્યારે તેમને દેશને આકાર આપતાં ત્રણ ટી- ટેલેન્ટ, ટેક અને ટ્રેડિશન અર્થાત્ પ્રતિભા, ટેક્નોલોજી અને પરંપરા યાદ આવે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 23, 2023 1:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.