India-China dam: ભારતે ચીનના બ્રહ્મપુત્રા નદી પરના વિશાળ ડેમનો જવાબ આપવા અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર દેશનો સૌથી મોટો 280 મીટર ઊંચો ડેમ બનાવવાનો મેગા પ્લાન શરૂ કર્યો છે. જાણો આ પ્રોજેક્ટની વિગતો અને તેનું રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વ.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનના ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવી આદિવાસી સમુદાયોના અસ્તિત્વ પર ખતરો ગણાવ્યો છે.
India-China dam: ભારત સરકારે ચીનની વધતી જળ-નીતિને પડકારવા અરુણાચલ પ્રદેશની સિઆંગ નદી પર દેશનો સૌથી મોટો હાઇડ્રોપાવર અને જળ-સુરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 280 મીટર ઊંચો ડેમ બનાવવાની યોજના છે, જે 11200થી 11600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. જોકે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વીજ ઉત્પાદન નહીં, પરંતુ ચીનના બ્રહ્મપુત્રા નદી પરના વિશાળ ડેમની સંભવિત અસરોનો સામનો કરવાનો છે.
ચીનનો ‘વોટર બોમ્બ’ ખતરો
ચીન તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદી (ભારતમાં બ્રહ્મપુત્રા) પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે, જેને ‘વોટર બોમ્બ’ તરીકે ઓળખવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, ચીન દ્વારા અચાનક પાણી રોકવામાં કે છોડવામાં આવે તો અરુણાચલ પ્રદેશ અને આસામમાં મોટું નુકસાન થઈ શકે છે. આ ડેમથી સિઆંગ નદીનો વિનાશ થઈ શકે છે અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતનો ડેમ: સુરક્ષા કવચ
અરુણાચલમાં બનનારો ડેમ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વનો છે. અધિકારીઓનું માનવું છે કે આ ડેમ ચીનના પાણીના અચાનક પ્રવાહ કે રોકાણથી થતી પૂર અને દુષ્કાળ જેવી સ્થિતિઓને નિયંત્રિત કરી શકશે. આ ડેમ ભારત માટે સુરક્ષા કવચનું કામ કરશે.
મુખ્યમંત્રીની ચિંતા અને સ્થાનિક સમર્થન
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનના ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવી આદિવાસી સમુદાયોના અસ્તિત્વ પર ખતરો ગણાવ્યો છે. તેમણે ચીનની આંતરરાષ્ટ્રીય જળસંધિઓમાં ભાગ ન લેવાની નીતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના મંત્રી ઓજિંગ તેસિંગના જણાવ્યા મુજબ, લગભગ 70% સ્થાનિક લોકો આ પ્રોજેક્ટને સમર્થન આપે છે, જોકે કેટલાક અજ્ઞાનતાને કારણે વિરોધ કરી રહ્યા છે.
ભારતનો આ મેગા પ્રોજેક્ટ ચીનની જળ-નીતિનો સામનો કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ડેમ માત્ર વીજળી ઉત્પાદન જ નહીં, પરંતુ પૂર અને દુષ્કાળ જેવી આફતોને રોકવામાં પણ મદદ કરશે.