New GST rates: ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કેન્દ્રીય ગુડ્સ અને સર્વિસ ટેક્સ (CGST)ની નવી દરોની અધિસૂચના જાહેર કરી છે, જે 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. જીએસટી કાઉન્સિલની 3 સપ્ટેમ્બરની મહત્ત્વની બેઠકમાં 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે નવી વ્યવસ્થામાં માત્ર 5 ટકા અને 18 ટકાના બે સ્લેબ જ રહેશે.
આ નવી સિસ્ટમ હેઠળ મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર 5 અથવા 18 ટકા GST લાગશે. જોકે, વૈભવી વસ્તુઓ પર 40 ટકા GST લાગુ થશે, જ્યારે તમાકુ અને તેના ઉત્પાદનો પર 28 ટકા GST સાથે વધારાનો સેસ યથાવત્ રહેશે. હાલની GST સિસ્ટમમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર સ્લેબ છે, પરંતુ નવી વ્યવસ્થા આને સરળ બનાવશે.
રાજ્યો માટે SGSTની અધિસૂચના જરૂરી
ફાઇનાન્સ મિનિસ્ટ્રીની આ અધિસૂચના બાદ રાજ્યોને પોતાના સ્તરે રાજ્ય જીએસટી (SGST)ના દરો જાહેર કરવાના રહેશે. GST હેઠળ મળતી આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમાન રીતે વહેંચાય છે.
ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે આ રિફોર્મથી વેપાર અને ઉદ્યોગોને ફાયદો થશે. AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહનના જણાવ્યા અનુસાર, સરકારે સ્પષ્ટ દરોની અધિસૂચના જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. હવે ઉદ્યોગોએ આ ફેરફારો ઝડપથી અમલમાં લાવવા જોઈએ. આ નવી GST વ્યવસ્થા બિઝનેસ અને ગ્રાહકો માટે સરળ અને પારદર્શક ટેક્સ સિસ્ટમ લાવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.