Fertilizer availability: ગ્લોબલ લેવલે રશિયા-યુક્રેન યુદ્ધ, રેડ સીનું સંકટ અને મધ્ય પૂર્વમાં તણાવ જેવી સમસ્યાઓએ અર્થતંત્રને હચમચાવ્યું છે. આ બધા વચ્ચે ભારતે ખરીફ 2025 સીઝન માટે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને મોટી સફળતા હાંસલ કરી છે. સરકારના આ પગલાંથી ખેડૂતો અને દેશની અર્થવ્યવસ્થા માટે મોટી રાહત મળી છે.
રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે યૂરિયા ઉત્પાદનમાં એક દાયકામાં 35%નો વધારો કર્યો છે. 2013-14માં યૂરિયા ઉત્પાદન 227.15 લાખ મેટ્રિક ટન (LMT) હતું, જે 2024-25માં વધીને 306.67 LMT થયું છે. આ સાથે DAP અને NPK ખાતરોના ઉત્પાદનમાં 44%નો વધારો થયો છે. આ આંકડાઓ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂતી આપે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરની સપ્લાય સુરક્ષિત રાખવા ભારતે સઉદી અરબ અને મોરોક્કો સાથે લાંબા ગાળાના કરાર કર્યા છે. જુલાઈ 2025માં ભારતીય કંપનીઓએ સઉદી અરબ સાથે 2025-26થી શરૂ થતો 31 LMT ડીએપીનો પાંચ વર્ષનો કરાર કર્યો છે. મોરોક્કો સાથે 25 LMT ડીએપી અને ટીએસપીની સપ્લાય પણ નિશ્ચિત કરવામાં આવી છે. હાલ યૂરિયાની ઉપલબ્ધતા 183 LMT છે, જ્યારે જરૂરિયાત 143 LMT છે. ડીએપીની ઉપલબ્ધતા 49 LMT અને એનપીકેની 97 LMT છે, જે જરૂરિયાત કરતાં વધુ છે.
ખેડૂતોને વૈશ્વિક કિંમતોના આંચકાથી બચાવવા સરકારે ભારે સબ્સિડી યોજના ચાલુ રાખી છે. યૂરિયા 45 કિલોના બેગ દીઠ 242 રૂપિયે અને ડીએપી 1,350 રૂપિયે મળે છે. આ સબ્સિડી આયાત ખર્ચ, GST અને કિંમતોના વધારાને આવરી લે છે. કાળાબજાર પર નિયંત્રણ માટે સરકારે કડક પગલાં લીધાં છે. એપ્રિલ 2025થી 2 લાખથી વધુ નિરીક્ષણો બાદ 7,900થી વધુ કારણબતાવો નોટિસ, 3,600 લાઇસન્સ પર કાર્યવાહી અને 311 FIR નોંધાઈ છે. સરકારનો દાવો છે કે ખાતરની કોઈ અછત નહીં થાય. વૈશ્વિક સંકટો હોવા છતાં ભારતે ખાતરની સપ્લાય અને કિંમતો પર નિયંત્રણ જાળવી રાખ્યું છે. આ પગલાં ખેડૂતોના કલ્યાણ, કૃષિની સ્થિરતા અને ખાદ્ય સુરક્ષા માટે મહત્વના છે.