અદાણી લિમિટેડ લઈને આવ્યું કમાણીનો બમ્પર અવસર: FDને પણ પછાડ્યા, 9.30% વ્યાજવાળી આ સ્કીમ કેવી છે?
આ ઈસ્યુને CARE રેટિંગ્સ અને ICRA બંને દ્વારા AA- રેટિંગ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે આ રોકાણ માટે સુરક્ષિત છે અને તેમાં ક્રેડિટ રિસ્ક ઓછું છે. સરળ શબ્દોમાં કહીએ તો, અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા સમયસર તમારા પૈસા અને વ્યાજ ચૂકવવાની સંભાવના ખૂબ જ વધારે છે.
અદાણી ગ્રુપની મુખ્ય કંપની AELનો આ ઈસ્યુ 9 જુલાઈ, 2025 થી શરૂ થઈને 22 જુલાઈ, 2025 સુધી ચાલશે.
ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટતા વ્યાજ દરો વચ્ચે, ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ રોકાણકારો માટે કમાણીનો શાનદાર અવસર લઈને આવી છે. કંપનીએ 1,000 કરોડ સુધીના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)ના બીજા પબ્લિક ઈસ્યુની જાહેરાત કરી છે. આ ઈસ્યુ 9 જુલાઈ, 2025ના રોજ ખુલશે અને 22 જુલાઈ, 2025 સુધી ખુલ્લો રહેશે. કંપની રોકાણકારોને વાર્ષિક 9.30% સુધીનું આકર્ષક યીલ્ડ (વ્યાજ) ઓફર કરી રહી છે, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના FD દરો કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. હાલમાં, SBI FD પર લગભગ 6.5% થી 7% વ્યાજ આપે છે.
NCD શું છે અને તમારા માટે તે કેવી રીતે કામ કરે છે?
સરળ ભાષામાં કહીએ તો, NCD એટલે તમે કોઈ કંપનીને લોન આપી રહ્યા છો. જ્યારે તમે અદાણી એન્ટરપ્રાઈઝના NCD ખરીદો છો, ત્યારે તમે તેમને પૈસા ઉધાર આપો છો. બદલામાં, કંપની તમને ખાતરી આપે છે કે તે તમને તમારી મૂળ રકમ (જે તમે રોકાણ કરી છે) એક નિશ્ચિત સમયગાળા પછી પાછી આપશે અને ત્યાં સુધી તમને તેના પર નિયમિતપણે વ્યાજ પણ મળતું રહેશે. આ NCD ને નોન-કન્વર્ટિબલ કહેવામાં આવે છે કારણ કે તેને કંપનીના શેરમાં રૂપાંતરિત કરી શકાતા નથી.
કેટલો મોટો છે આ NCD ઇસ્યુ?
અદાણી ગ્રુપની મુખ્ય કંપની AELનો આ ઈસ્યુ 9 જુલાઈ, 2025 થી શરૂ થઈને 22 જુલાઈ, 2025 સુધી ચાલશે. કંપની આ ઈસ્યુ દ્વારા 1,000 કરોડ સુધી ભંડોળ એકત્ર કરવા માંગે છે. આ પહેલા, સપ્ટેમ્બર 2024માં AELનો પહેલો NCD ઈસ્યુ આવ્યો હતો, જે પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો, જે રોકાણકારોના વિશ્વાસ દર્શાવે છે.
આ NCD આઠ સિરીઝમાં ઉપલબ્ધ છે, જેની મુદત 24, 36 અને 60 મહિના છે. વ્યાજ ચુકવણીના વિકલ્પોમાં ત્રિમાસિક, વાર્ષિક cumulativeનો સમાવેશ થાય છે, જે રોકાણકારોને તેમની જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરવાની સુવિધા આપે છે.
રોકાણ કેટલું સુરક્ષિત છે?
આ ઈસ્યુને CARE રેટિંગ્સ અને ICRA બંને દ્વારા AA- રેટિંગ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે આ રોકાણ માટે સુરક્ષિત છે અને તેમાં ક્રેડિટ રિસ્ક ઓછું છે. સરળ શબ્દોમાં કહીએ તો, અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા સમયસર તમારા પૈસા અને વ્યાજ ચૂકવવાની સંભાવના ખૂબ જ વધારે છે. નોંધનીય છે કે, અદાણી એન્ટરપ્રાઈઝ પહેલી એવી નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની છે જે સીધા સામાન્ય લોકો માટે આવા લિસ્ટેડ NCD લઈને આવી છે.
અદાણી ગ્રુપના CFO જુગેશિન્દર રોબી સિંહ એ જણાવ્યું કે, "આ ઈસ્યુ સમાવેશી મૂડી બજાર વિકાસ અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અમારા પહેલા NCDને મળેલી મજબૂત પ્રતિક્રિયા પછી આવ્યું છે, જેમાં છ મહિનાની અંદર મૂડીમાં વધારો અને ક્રેડિટ રેટિંગમાં સુધારો જોવા મળ્યો."
પૈસાનો ક્યાં થશે ઉપયોગ?
કંપની આ ભંડોળનો ઉપયોગ તેના જૂના દેવાને ચૂકવવા અને તેના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. કંપની ઓછામાં ઓછા 75% ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવામાં કરશે, જ્યારે બાકીના 25% ભંડોળનો ઉપયોગ કંપનીના અન્ય કાર્યો માટે કરવામાં આવશે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ, ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને ટિપ્સન્સ કન્સલ્ટન્સી સર્વિસીસ આ ઈસ્યુના લીડ મેનેજર છે.
આ NCD એવા રોકાણકારો માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે જેઓ ફિક્સ્ડ ઇનકમ શોધી રહ્યા છે અને ઓછું જોખમ લેવા માંગે છે. જોકે, કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.