FASTagનો નવો વાર્ષિક પ્લાન સુપરહિટ! માત્ર 2 મહિનામાં 25 લાખ લોકો જોડાયા, વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી મળી મુક્તિ
FASTag Annual Pass: FASTag એન્યુઅલ પાસ માત્ર 3,000માં એક વર્ષ માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપે છે. ફક્ત 2 મહિનામાં 25 લાખથી વધુ યુઝર્સે આ પ્લાન અપનાવ્યો છે. જાણો આ પાસના ફાયદા, નિયમો અને તેને કેવી રીતે એક્ટિવેટ કરવો તેની સંપૂર્ણ માહિતી.
આ પહેલ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા ટોલ વસૂલાતની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને મુસાફરો માટે ફાયદાકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.
FASTag Annual Pass: હવે નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે વારંવાર FASTag રિચાર્જ કરાવવાની ઝંઝટનો અંત આવી ગયો છે. સરકારે 15 ઓગસ્ટ, 2025ના રોજ લોન્ચ કરેલો 'FASTag એન્યુઅલ પાસ' ટૂંકા ગાળામાં જબરદસ્ત હિટ સાબિત થયો છે. એક સત્તાવાર નિવેદન મુજબ, લોન્ચ થયાના માત્ર બે મહિનામાં જ 25 લાખથી વધુ વાહનચાલકો આ પાસ સાથે જોડાઈ ગયા છે.
આ સમયગાળા દરમિયાન કુલ 5.67 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જે આ યોજનાની લોકપ્રિયતા દર્શાવે છે. આ પાસ ખાસ કરીને એવા લોકો માટે વરદાનરૂપ છે જેમને નોકરી-ધંધા કે અન્ય કારણોસર વારંવાર નેશનલ હાઇવે પરથી પસાર થવાનું થાય છે.
શું છે FASTag એન્યુઅલ પાસ અને તેના ફાયદા?
આ એક પ્રી-પેઇડ પ્લાન જેવું છે. જેમાં તમારે માત્ર એકવાર 3,000 ચૂકવવાના રહે છે. ત્યારબાદ તમે એક વર્ષ સુધી અથવા 200 વખત ટોલ પ્લાઝા ક્રોસ કરો ત્યાં સુધી (જે પણ પહેલા પૂરું થાય) ટોલ ટેક્સની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ છો.
એકવાર ચુકવણી, વર્ષભરની શાંતિ: 3,000ની એક વખતની ચુકવણી બાદ વારંવાર રિચાર્જ કરવાની કોઈ જરૂર નથી. આ પાસ એક વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ માટે માન્ય રહેશે.
કોના માટે છે આ પાસ?: આ પાસ તમામ બિન-વ્યાવસાયિક (Non-Commercial) વાહનો માટે ઉપલબ્ધ છે, જેમ કે કાર, જીપ, વાન વગેરે જેમની પાસે સક્રિય FASTag હોય.
સરળ એક્ટિવેશન: પાસ ખરીદવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે 'હાઈવે યાત્રા એપ' અથવા NHAI ની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કર્યાના માત્ર 2 કલાકમાં આ પાસ તમારા હાલના FASTag સાથે આપમેળે લિંક થઈ જાય છે.
ક્યાં માન્ય રહેશે?: આ પાસ દેશભરના લગભગ 1,150 ટોલ પ્લાઝા પર માન્ય છે, જે નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસવે (NE) પર આવેલા છે.
સ્ટેટ હાઇવે પર શું થશે?: ખાસ ધ્યાન રાખો કે આ પાસ સ્ટેટ હાઇવે (SH) કે સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર કામ કરશે નહીં. જો તમે આવા કોઈ રોડ પરથી પસાર થશો, તો ટોલની રકમ તમારા FASTag ના મુખ્ય વોલેટ બેલેન્સમાંથી કાપવામાં આવશે. આ માટે તમારા વોલેટમાં બેલેન્સ હોવું જરૂરી છે.
ટ્રાન્સફર કરી શકાશે નહીં: આ પાસ નોન-ટ્રાન્સફરેબલ છે, એટલે કે તે જે વાહન માટે ખરીદવામાં આવ્યો છે, તેના પર જ માન્ય રહેશે.
આ પહેલ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા ટોલ વસૂલાતની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને મુસાફરો માટે ફાયદાકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. આ પાસને મળેલા શાનદાર પ્રતિસાદથી સ્પષ્ટ છે કે લાખો લોકો માટે હાઇવે પરની મુસાફરી હવે પહેલા કરતાં વધુ સુવિધાજનક અને કિફાયતી બની ગઈ છે.