ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 2074ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 63,121ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે યૂએસમાં વ્યાજ દરમાં કાપની આશાએ સોનાની ચમક વધી છે. સાથે જ યૂએસના PCE ઇન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સની ચાલ બગડી છે, જેનો પણ સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
સોના સાથે ચાંદીમાં પણ પોઝિટીવ મૂવમેન્ટ જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 75,491ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
2024માં વધુ ઉત્પાદનના અનુમાન વચ્ચે રેડ સી તરફથી સપ્લાય વિક્ષેપના ડરના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે રહ્યા, પણ ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કરાણે NYMEX ક્રૂડમાં ફ્લેટ કારોબાર સાથે 73 ડૉલરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. આ સાથે જ OPECમાંથી અંગોલાના બહાર નીકળવાથી પણ ચિંતા બનતી દેખાઈ રહી છે.
નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં લગભગ 3 ટકાનો ઘટાડો આવતા કિંમતો 201ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળી રહ્યો છે.
LME માર્કેટ બંધ હોવાથી વૈશ્વિક બજારમાં મેટલ્સની ચાલ સુસ્ત રહી, પણ સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, જ્યાં ફિઝીકલ માગના કારણે કોપરની કિંમતો 4 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, આ સાથે જ ઓછી ઇન્વેન્ટરીના કારણે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોમાં પણ રિકવરી દેખાઈ રહી છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં 5 ટકાની લોઅર સર્કિટ સાથેનો કારોબાર રહ્યો, ધાણામાં પણ નરમાશ રહી, પણ હળદરમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી. તો ગુવાર પેકમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં ગુવાર ગમમાં પોણા ટકાની તો ગુવાર સીડમાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી રહી છે. તો કપાસિયા ખોળમાં એક ટકા ઉપરની તેજીનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે.