FOMCની મિનિટ્સ પહેલા સોનામાં ઉતાર-ચઢાવનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં અડધા ટકાના દબાણ સાથે કિંમતો 2064 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પા ટકાના દબાણ સાથે કિંમતો 63000ના સ્તર પર કારોબાર જોવા મળ્યો. બજારની નજર આજે સાંજે આવનાર FOMCની મિનિટ્સ પર બનેલી છે, કારણ કે FOMCની મિનિટ્સ પરથી સેન્ટ્રલ બેન્કોની આવનાર પૉલિસીનું અનુમાન લગાવવામાં આવશે.
ચાંદીમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર છે, જ્યાં સ્થાનિક બજારમાં 73,352ના સ્તરની આસપાસ કામકાજ રહ્યું, તો વૈશ્વિક બજારમાં સાડા 23 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે.
ગઈકાલે ક્રૂડની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ બાદ બ્રેન્ટના ભાવ 76 ડૉલરની નીચે રહ્યા, તો NYMEX ક્રૂડમાં 70 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, ઈરાન દ્વારા રેડ-સીમાં વૉરશિપ ડિપ્લોય કરવાના સમાચાર બાદ કિંમતોમાં દબાણ બન્યું, જોકે ટ્રેડરોને સપ્લાયમાં વિક્ષેપની કોઈ શક્યતા નથી દેખાતી, એટલે કિંમતોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. આ સાથે જ બજારની નજર ફેબ્રુઆરીમાં થનારી OPEC+ની બેઠક પર બનેલી છે.
નેચરલ ગેસમાં ગઈકાલની તેજી જળવાતા સ્થાનિક બજારમાં 1 ટકાની મજબૂતી સાથે 214ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ તરફથી આજે પણ મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી, પણ ચાઈનાના PMI આંકડાઓને જોતા ચાઈનીઝ સરકાર વધુ રાહત પેકેજની ઘોષણા કરે તેવી આશાએ ઝિંકની કિંમતોમાં તેજી રહી, જ્યારે ડિસેમ્બરમાં સારી તેજી આવ્યા બાદ LME પર કોપરમાં નફાવસુલી દેખાઈ રહી છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં હળદર અને ધાણાની કિંમતો પર ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર જોવા મળી રહી છે. તો જીરામાં સારું ઉત્પાદન થવાની આશાએ ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો ગુવાર પેકનો કારોબાર પણ લાલ નિશાનમાં જોવા મળ્યો. જ્યાં ગુવાર પેકમાં લગભગ એક ટકા ની નરમાશ આવતી જોવા મળી. ત્યારે એરંડામાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો કપાસિયા ખોળમાં ફ્લેટ કારોબાર નોંધાયો.