કોમોડિટી લાઈવ: ડુંગળીની વધતી કિંમતો પર સરકારનું એક્શન, 31 ડિસેમ્બર સુધી ડુંગળી પર લાગશે 40%ની એક્સપોર્ટ ડ્યૂટી, વધતી કિંમતો વચ્ચે ડુંગળીની સ્થાનિક ઉપલબ્ધતામાં સુધારો કરવા લેવાયા પગલાં.
સોનામાં ઉતાર-ચઢાવ યથાવત્ છે, અહીં આજે ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા COMEX પર કિંમતોને સપોર્ટ મળ્યો, અને ભાવ 1921ડૉલરના સ્તરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,440ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સતત 4 સપ્તાહના ઘટાડા બાદ આજે સોનામાં નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ લગભગ સાડા 22 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 70,509ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ઓછી ઇન્વેન્ટરીઝના કારણે કોપરની કિંમતો પર પોઝિટીવ અસર જોવા મળી, તો બાકી મેટલ્સમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મેટલ્સમાં તેજી જોવા મળી હતી.
સપ્લાયની ચિંતા અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે NYMEX ક્રૂડમાં રિકવરી આવતા ભાવ 81 ડૉલરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે. સાથે જ બ્રેન્ટમાં પણ 85 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે કિંમતો આશરે 2% ઘટતી દેખાઈ હતી.
નેચરલ ગેસ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં આજે સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની તેજી સાથે 215ના સ્તરની આસપાસ કારોબાર રહ્યો, પણ ગત સપ્તાહે USમાં કિંમતો લગભગ 7% ઘટતી દેખાઈ હતી. USમાં વધુ વ્યાજ દર વધવાની આશંકાએ નેચરલ ગેસની કિંમતો પર અસર જોવા મળી હતી.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, સપ્તાહની શરૂઆત ગુવાર પેક માટે નેગેટીવ રહી છે, કપાસિયા ખોળમાં પણ શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકાથી વધુનું દબાણ રહ્યું, પણ MCX કૉટનમાં મામુલી મજબૂતી છે, જ્યારે મસાલા પેકમાં ધાણા અને હળદરમાં આશરે 1 ટકા જેટલી મજબૂતી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.