કાચા તેલમાં તેજી યથાવત્, ભાવ 92 ડૉલરની ઉપર ટક્યા, આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીનું અનુમાન- ચોથા ત્રિમાસિકમાં પણ ઉંચી રહી શકે છે ક્રૂડની કિંમતો.
OPEC બાદ EIA દ્વારા પણ ક્રૂડની માગ વધવાના અનુમાને કિંમતોમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટમાં 92 પ્રતિ ડૉલરના સ્તરની ઉપર કિંમતો ટકી છે, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 88 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. USમાં એક તરફ ક્રૂડની ઇન્વેન્ટરી ઘટી છે, અને બીજી બાજું ગ્લોબલ બજારમાં ઓછી સપ્લાયની ચિંતા બની રહી છે, જેને કારણે ક્રૂડની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 2 ટકાની તેજી રહેતા ભાવ 226ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
ECBની મોનેટરી પૉલિસી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1909 ડૉલરની સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે..અહીં પણ કિંમતો ઘટીને આશરે 3 સપ્તાહના નીચલા સ્તરની પાસે જોવા મળી, ઉલ્લેખનિય છે કે, USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ આવતા બજારની નજર હવે વ્યાજ દરને લઈ ફેડના નિર્ણય પર રહેશે.
સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકા જેટલી નરમાશ જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં મામુલી નરમાશ, સ્ટોકમાં ઘટાડો અને ચાઈના તરફથી ઓછા આઉટપુટના કારણે LME ઝિંકની કિંમતોમાં રિકવરી જોવા મળી, આ સાથે જ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી રહી છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં ફરી તેજી જોવા મળી, અહીં જીરામાં અડધા ટકા, તો હળદર અને ધાણામાં લગભગ એક ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે. પણ ગુવાર પેકમાં ઉપલા સ્તરેથી કિંમતો ઘટી, ગુવારગમમાં એક ટકાથી વધુનો ઘટાડો, તો સીડમાં અડધા ટકા જેટલું દબાણ બની રહ્યું છે. પણ કપાસિયા ખોળમાં એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.