ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે સોનાની ચમક વધતી દેખાઈ, જ્યાં કોમેક્સ પર સોનું 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યું અને 2086ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં 63,791ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી. આ વર્ષની વાત કરીએ તો સોનામાં આશરે 15 ટકાની મજબૂતી જોવા મળી છે.
ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ યથાવત્ છે, જ્યાં વૈશઅવિક બજારમાં ભાવ 25 ડૉલર તરફ આગળ વધી રહ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ જોવા મળી રહ્યું છે.
બેઝ મેટલ્સ તરફથી શરૂઆતી સંકેતો મિશ્ર રહ્યા, અહીં પણ ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દરમાં કાપના સંકેતોએ એલએમઈ પર ખાસ કરીને કોપરની કિંમતોમાં વધારો જોવા મળ્યો, અને આ વર્ષમાં કોપરમાં આશરે 3% જેટલી પોઝિટીવિટી દેખાઈ, ઉલ્લેખનિય છે કે પેરૂ અને પનામા માઈન્સમાં કામકાજ બંધ હોવાથી કોપરની સપ્લાય ઘટવાની આશંકાએ કિંમતોને સપોર્ટ મળ્યો હતો, અને ev તરફથી પણ માગ વધતી દેખાઈ હતી. આ સાથે જ સ્થાનિક બજારમાં મેટલ્સમાં રિકવરી યથાવત્ રહેતી જોવા મળી.
ક્રૂડમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં 75 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે રેડ-સીમાં ચાલી રહેલા તણાવ ઓછા થતા અને અમેરિકા તરફથી સુરક્ષાનો ભરોસો મળતા ક્રૂડમાં સપ્લાય વિક્ષેપની ચિંતા ઓછી થતી દેખાઈ, જેના કારણે કિંમતો પર દબાણ બન્યું.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના દબાણ સાથે 205ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, ગઈકાલે મસાલા પેકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જોકે આજે ફરી એકવાર નીચલા સ્તરેથી સધારો દેખાઈ રહ્યો છે, તો ગુવાર પેકમાં પણ આશરે અડધા ટકાની મજબૂતી જોવા મળી, સાથે જ એરંડામાં ગઈકાલથી તેજીનો ટ્રેન્ડ યથાવત્ છે, અને આજે NCDEX પર ભાવ અડધા ટકાથી વધુ વધતા દેખાયા છે. જોકે કપાસિયા ખોળમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે.