GST Relief in Insurance Policy: લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં મોટી રાહત, GST હટાવવાનો સરકારનો મોટો નિર્ણય
GST Relief in Insurance Policy: લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર 18% GST હટાવવાના સરકારના નિર્ણયથી પ્રીમિયમમાં રાહત મળશે. આ નિર્ણયથી વીમા કવરેજ અને નાણાકીય સમાવેશન વધશે. વધુ જાણો આ આર્ટિકલમાં.
GST Relief in Insurance Policy: ભારતના કરોડો નાગરિકો માટે રાહતના સમાચાર છે! કેન્દ્ર સરકારે લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પર લાગતા 18% GSTને સંપૂર્ણપણે હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વીમાના પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી સામાન્ય નાગરિકો માટે વીમો વધુ સસ્તો અને સુલભ બનશે. આ નિર્ણય 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો, જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી.
વીમા પોલિસી પર GST મુક્તિ
નાણા મંત્રીએ જણાવ્યું કે, ટર્મ લાઇફ, યૂલિપ અને એન્ડોમેન્ટ સહિત તમામ વ્યક્તિગત લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીઓ તેમજ તેના રિઇન્શ્યોરન્સ પર GST હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફેમિલી ફ્લોટર પોલિસીઓ, વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીઓ અને તેના રિઇન્શ્યોરન્સ પણ GSTમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી વીમા કંપનીઓને પ્રીમિયમ ઘટાડવાની તક મળશે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે.
નવરાત્રિથી નવા દરો લાગુ થશે
આ નવો નિર્ણય નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. આ પગલું દેશમાં નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપશે અને વધુ લોકોને વીમા કવરેજ લેવા માટે પ્રેરિત કરશે. નાણા મંત્રીએ કહ્યું, “અમે ખાતરી કરીશું કે વીમા કંપનીઓ આ ટેક્સ રાહતનો લાભ ગ્રાહકોને આપે, જેથી વીમો સામાન્ય માણસ માટે સસ્તો બને.”
GSTની આવકનો આંકડો
વીતેલા વર્ષોમાં વીમા પોલિસી પર GSTથી સરકારને નોંધપાત્ર આવક મળી છે. નાણાકીય વર્ષ 2024માં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર GST દ્વારા 16,398 કરોડ રૂપિયા એકત્ર થયા, જેમાં લાઇફ ઇન્શ્યોરન્સમાંથી 8,135 કરોડ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી 8,263 કરોડ રૂપિયા સામેલ છે. આ ઉપરાંત, રિઇન્શ્યોરન્સમાંથી 2,045 કરોડ રૂપિયા મળ્યા હતા. વળી નાણાકીય વર્ષ 2023માં આ આંકડો 16,770 કરોડ રૂપિયા હતો, જેમાં લાઇફ ઇન્શ્યોરન્સમાંથી 9,132 કરોડ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી 7,638 કરોડ રૂપિયા હતા.
નાણાકીય સમાવેશનને બળ
આ નિર્ણયથી ન માત્ર વીમા પોલિસી સસ્તી થશે, પરંતુ દેશમાં વીમા કવરેજનું પ્રમાણ પણ વધશે. GST કાઉન્સિલે વીમા ઉદ્યોગને વધુ સુગમ બનાવવા અને ગ્રાહકોને લાભ આપવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણયથી વીમા ક્ષેત્રમાં વેચાણ વધવાની પણ શક્યતા છે, જે નાણાકીય સમાવેશનને વેગ આપશે.