Gautam Adani: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બજાર નિયામક સંસ્થા SEBI દ્વારા ક્લીન ચિટ મળ્યા બાદ કર્મચારીઓને એક ભાવનાત્મક સંદેશ મોકલ્યો છે. જાન્યુઆરી 2023માં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર ખાતામાં ગેરરીતિ, શેરની કિંમતોમાં હેરાફેરી અને ગેરપારદર્શક વિદેશી સંસ્થાઓના ઉપયોગના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોને કારણે ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ આશરે 150 બિલિયન ડોલર સુધી ઘટી ગયું હતું. જોકે, SEBIની વ્યાપક તપાસે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
ગૌતમ અદાણીએ પોતાના સંદેશમાં જણાવ્યું, "આજે એ વાદળો હટી ગયા છે, જે બે વર્ષથી અમારા માથે મંડરાઈ રહ્યા હતા. SEBIની તપાસે હિન્ડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે." તેમણે આ મુશ્કેલ સમયમાં કર્મચારીઓની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને કહ્યું કે ગ્રૂપના પોર્ટ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ, સિમેન્ટ અને રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ આગળ વધતા રહ્યા. અદાણીએ આ સમયને 'અગ્નિપરીક્ષા' ગણાવી અને કહ્યું, "આપણે સાબિત કર્યું કે દબાણમાં કામ કરવું એ જ ચરિત્રની સાચી કસોટી છે, અને અદાણીનું ચરિત્ર અડીખમ છે."
અદાણીએ ભવિષ્યની પ્રાથમિકતાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે ગ્રૂપ હવે એનર્જી, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઝડપી ઇનોવેશન, લોંગ-ટર્મ વેલ્યૂ ક્રિએશન અને ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન આપશે. તેમણે કહ્યું, "અમારે આજની તાળીઓ માટે નહીં, પરંતુ આવનારા દાયકાઓની વારસો માટે નિર્માણ કરવું છે." ઈમાનદારી અને પારદર્શિતાને ગ્રૂપનો પાયો ગણાવતા તેમણે કર્મચારીઓને આ મૂલ્યો જાળવવા અપીલ કરી.
અદાણીએ કર્મચારીઓનો આભાર માનતા કહ્યું કે આ સંકટે ગ્રૂપની બુનિયાદને વધુ મજબૂત કરી છે. તેમણે આ ત્રણ વર્ષના સમયગાળાને એક 'ચિન્ગારી' તરીકે યાદ કરવા જણાવ્યું, જે મોટા અદાણી ગ્રૂપનું નિર્માણ કરશે. સંદેશના અંતમાં તેમણે કહ્યું, "અમારી વાર્તા સાહસ, સંકલ્પ અને માતૃભૂમિ ભારત સાથેના વચનની સાક્ષી બને. સત્યમેવ જયતે, જય હિન્દ."