Defence Deal: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકન કંપની GE Aerospace સાથે મોટી ડીલ કરી છે. આ કરાર હેઠળ તેજસ હલકા લડાયક વિમાન (LCA) માટે 113 જેટ એન્જિન ખરીદવામાં આવશે. ડીલની કિંમત આશરે 1 અબજ ડોલર (લગભગ 8870 કરોડ) છે. આ એન્જિન F-404 GE-IN20 મોડલના છે, જેની ડિલિવરી 2027થી શરૂ થશે અને 2032 સુધીમાં પૂરી થશે. HALએ જણાવ્યું કે આ કરાર તેજસ MK-1Aના 97 વિમાનોના બાંધકામ કાર્યક્રમ માટે છે.
સપ્ટેમ્બરમાં રક્ષા મંત્રાલયે HAL સાથે 62370 કરોડનો કરાર કર્યો હતો. તે હેઠળ ભારતીય વાયુસેના માટે 97 તેજસ MK-1A વિમાન ખરીદાશે. તેજસ એક એન્જિનવાળું બહુહેતુક લડાયક વિમાન છે. તે હવાઈ સુરક્ષા, દરિયાઈ ટોહ અને હુમલાના મિશન માટે બનાવાયું છે. HAL પહેલા બેચમાં પણ F-404 એન્જિન વાપરે છે.
ફેબ્રુઆરી 2021માં 48000 કરોડનો કરાર થયો હતો, જેમાં 83 તેજસ MK-1A વિમાન ખરીદાયા હતા. પરંતુ GEની ડિલિવરીમાં વિલંબથી સપ્લાય અટકી હતી. વાયુસેના પાસે હાલ 31 સ્ક્વોડ્રન છે, જ્યારે માન્ય સંખ્યા 42 છે. ઘટતા ફ્લીટની ભરપાઈ માટે તેજસની સમયસર ડિલિવરી જરૂરી છે.
આ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે થઈ છે, જ્યાં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા કસ્ટમ ડ્યુટી લગાવી છે. તેમ છતાં બંને દેશોના સંરક્ષણ સહયોગને આગળ વધારે છે.