Jio Financial Services: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિલાયન્સ રિટેલને દેશની સૌથી મોટી રિટેલ કંપની બનાવ્યા બાદ ઈશા અંબાણીને રિલાયન્સ ગ્રુપે નવી લિસ્ટેડ કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસ માટે પસંદ કર્યા છે. આ નોન બેન્કિંગ ફાઈનાન્સ સેક્ટરની કંપની છે, તેથી ભારતીય રિઝર્વ બેન્કે પણ તેમની અપોઈન્ટમેન્ટને લીલીઝંડી આપી દીધી છે.
ઈશા અંબાણીની જિયો ફાઈનાન્શિયલ સર્વિસમાં ડાયરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેની સાથે જ અંશુમાન ઠાકુર અને હિતેશ કુમાર સેતિયાને પણ જિયો ફાઈનાન્શિયલ સર્વિસના ડાયરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રણેયની નિયુક્તિ પર ભારતીય રિઝર્વ બેન્કે પણ મહોર મારી દીધી છે.
ઈશા અંબાણીને જિયો ફાઈનાન્શિયલ સર્વિસમાં નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, ત્યારે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સમગ્ર રિટેલ બિઝનેસને લીડ કરે છે. સાથે જ રિલાયન્સ રિટેલનું એક યૂનિટ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડને પણ તેમને સફળ કંપની બનાવી છે. આ કંપનીએ રિલાયન્સ માટે ઘણા લોકલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડસ સાથે ડીલ કરી છે અને ઘણી કંપનીનું અધિગ્રહણ પણ કર્યુ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ બંને ભાઈઓ આકાશ અને અનંત અંબાણી તથા ઈશાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નવી જવાબદારીની સાથે જ રિલાયન્સ ગ્રુપમાં ઈશા અંબાણીનું કદ હવે વધી ગયુ છે.