YouTube Disney dispute: અમેરિકાના 8 મિલિયનથી વધુ યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. યુટ્યુબ ટીવી પર ડિઝનીના લોકપ્રિય ચેનલ્સ 31 ઓક્ટોબરથી અદૃશ્ય થઈ શકે છે. ગૂગલની માલિકીવાળા યુટ્યુબ અને ડિઝની વચ્ચે ડિસ્ટ્રિબ્યુશન કરારને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. જો 30 ઓક્ટોબરની રાત 11:59 સુધીમાં સમજૂતી ન થાય તો ESPN, ABC, FX સહિતના ચેનલ્સ યુટ્યુબ ટીવી પરથી ગાયબ થઈ જશે.
ડિઝનીએ 23 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યાથી જ યુટ્યુબ ટીવી પર જાહેર ચેતવણી બતાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે ગૂગલ ગ્રાહકોના હિતને નુકસાન પહોંચાડી રહી છે. બીજી તરફ યુટ્યુબ કહે છે કે ડિઝનીએ અત્યંત મોંઘી શરતો મૂકી છે, જેના કારણે સબસ્ક્રિપ્શનનો ભાવ વધી શકે છે.
આ વિવાદ માત્ર ચેનલ્સનો નથી, પરંતુ ડિજિટલ રાઇટ્સ અને ફીસનો છે. ખાસ કરીને સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે આ ઝટકો મોટો છે. NFL, NBA અને NHLના લાઇવ મેચ યુટ્યુબ ટીવી પર જોવા મળતા હતા, જે હવે બંધ થઈ શકે છે. યુટ્યુબે પોતાના ગ્રાહકોને આશ્વાસન આપ્યું છે કે જો ચેનલ્સ હટે તો તેમને 20 ડોલરનું ક્રેડિટ આપવામાં આવશે. કંપની હજુ પણ ડિઝની સાથે વાટાઘાટો કરી રહી છે.
આ પહેલાં પણ NBC યુનિવર્સલ, ફોક્સ કોર્પ અને ટેલિવિસાયુનિવિઝન જેવી કંપનીઓ સાથે યુટ્યુબના વિવાદ થયા છે. આથી લાગે છે કે આ એક ચાલુ પ્રક્રિયા છે, જેમાં ગ્રાહકોને જ વચ્ચે પિસાઈ જવું પડે છે.