Ahmedabad News: અમદાવાદના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે.
બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં 'જેલ ભજીયા હાઉસ'ને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત આર.ટી.ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ 2023-24માં કુલ 86.47 લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે.
'જેલ ભજીયા હાઉસ'ના નવીનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.