AIનો માર: 22-25 વર્ષના યુવાનોને નથી મળી રહી જોબ, આ નોકરીઓ પર સૌથી વધુ અસર
AI ઓટોમેશનના કારણે 22-25 વર્ષના યુવાનોની નોકરીની તકો ઘટી રહી છે. જૂનિયર કોડર્સ અને એન્ટ્રી-લેવલ જોબ્સ પર સૌથી વધુ અસર. નવા સ્કિલ્સ શીખીને કેવી રીતે આગળ વધવું? જાણો આ ન્યૂઝ આર્ટિકલમાં.
આજના યુગમાં AI (Artificial Intelligence)એ દરેક ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી દીધી છે. કંપનીઓ માટે કામ ઝડપી થયું, ખર્ચ ઘટ્યો અને ક્વોલિટીમાં સુધારો થયો. પરંતુ આની બીજી બાજુ એ છે કે 22-25 વર્ષના યુવાનોની નોકરીની તકો ઝડપથી ઘટી રહી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસ મુજબ, એન્ટ્રી-લેવલ જોબ્સમાં ગયા 3 વર્ષમાં 13% જોબ્સ ઓછી થઈ છે. ખાસ કરીને જૂનિયર કોડર્સ, કસ્ટમર સપોર્ટ અને ઓફિસ જોબ્સ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
જૂનિયર કોડર્સ પર સૌથી મોટી અસર
અગાઉ કંપનીઓ નવા ગ્રેજ્યુએટ્સને બેઝિક કોડિંગ, ડેટા એન્ટ્રી અથવા કસ્ટમર કોલ્સનું કામ આપતી. હવે આ કામ AI ટૂલ્સ જેમ કે GitHub Copilot (કોડિંગ) અને Chatbots (કસ્ટમર સર્વિસ) સેકન્ડોમાં કરી દે છે. પરિણામે, નવા કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ્સને ટેક જોબ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણા યુવાનો નોન-ટેક કામ જેમ કે રેસ્ટોરાંમાં કે ફૂડ ડિલિવરીમાં કામ કરવા મજબૂર થયા છે.
અનુભવી લોકોને ફાયદો, યુવાનોને નુકસાન
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે જે લોકો પાસે પહેલેથી અનુભવ છે, તેમને AIથી નુકસાન નથી થયું. ઉલટું, તેમનું કામ વધુ સરળ થયું છે. જ્યારે નવા યુવાનો, જેઓ પોતાના કરિયરની શરૂઆત કરવા માગે છે, તેમના માટે જોબ માર્કેટમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું છે.
યુવાનો શું કરે?
AIને દુશ્મન નહીં, પરંતુ મિત્ર બનાવો. AI ટૂલ્સનો ઉપયોગ શીખો અને તેની સાથે કામ કરવાની રીત શોધો. આજે ફક્ત ડિગ્રીથી કામ નહીં ચાલે. નવા સ્કિલ્સ જેમ કે ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, ક્લાઉડ ટેક્નોલોજી અને સોફ્ટ સ્કિલ્સ (પ્રોબ્લેમ સોલ્વિંગ, ટીમ વર્ક, કમ્યુનિકેશન) શીખવા જરૂરી છે. ઓપન સોર્સ પ્રોજેક્ટ્સ અને ફ્રીલાન્સિંગ દ્વારા અનુભવ મેળવો, જે રિઝ્યૂમેને મજબૂત બનાવશે અને ઇન્ટરવ્યૂમાં ફાયદો આપશે.
AIનો પ્રભાવ વધવાનો જ છે, તેથી યુવાનોએ નવી ટેક્નોલોજી સાથે અપડેટ રહેવું પડશે. જે ફિલ્ડ્સમાં AIની અસર ઓછી છે, જેમ કે ડેટા એનાલિસિસ, AI ડેવલપમેન્ટ અને સાયબર સિક્યોરિટી, તેમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરો. સતત શીખવું અને નવા સ્કિલ્સ અપનાવવું એ જ આગળ વધવાનો રસ્તો છે.