અમેરિકાના સપના પર ગ્રહણ? H-1B વિઝામાં ઐતિહાસિક ઘટાડો, ભારતીય IT પ્રોફેશનલ્સની ચિંતા વધી
US Visa for Indians: અમેરિકામાં H-1B વિઝા મંજૂરીમાં 70% સુધીનો ધરખમ ઘટાડો! જાણો ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિઓની ભારતીય IT કંપનીઓ અને પ્રોફેશનલ્સ પર શું અસર થઈ અને શા માટે ઇલોન મસ્ક પણ ભારતીયોના સમર્થનમાં આવ્યા. સંપૂર્ણ વિશ્લેષણ વાંચો.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS) દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક વર્ષમાં H-1B વિઝાની મંજૂરીમાં લગભગ 40%નો ઘટાડો થયો છે.
Indian IT Professionals: અમેરિકા જઈને કારકિર્દી બનાવવાનું સપનું જોનારા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે હાલ કપરાં દિવસો ચાલી રહ્યા છે. અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે H-1B વિઝાની મંજૂરીમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભારતીય ટેક ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS) દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક વર્ષમાં H-1B વિઝાની મંજૂરીમાં લગભગ 40%નો ઘટાડો થયો છે. જો 2015થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો આ ઘટાડો 70% જેટલો મોટો છે. આ કડક નિયમોની સીધી અસર ભારતીય કંપનીઓ પર પડી છે, જેમને આ દાયકામાં અત્યાર સુધીના સૌથી ઓછા, એટલે કે માત્ર 4,500 જેટલા જ H-1B વિઝા મળી શક્યા છે. આ ઘટાડા પાછળ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી કડક નીતિઓને મુખ્ય કારણ માનવામાં આવે છે.
જો ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની વાત કરીએ, તો ભલે તેને સૌથી વધુ વિઝા મળ્યા હોય, પરંતુ તેનો વિઝા રિજેક્શન રેટ પણ 2024માં 4%થી વધીને 7% થઈ ગયો છે. આ વર્ષે TCSના 5,293 કર્મચારીઓને અમેરિકામાં તેમની નોકરી ચાલુ રાખવાની મંજૂરી મળી છે, પરંતુ ભારતમાંથી નવા વિઝા મેળવનારા કર્મચારીઓની સંખ્યા ઘટીને માત્ર 846 થઈ ગઈ છે, જે અગાઉ 1,452 હતી.
બીજી તરફ, ઇન્ફોસિસ, HCL અમેરિકા અને વિપ્રો જેવી અન્ય મોટી ભારતીય કંપનીઓનો રિજેક્શન રેટ 1%થી 2% જેટલો ઓછો દેખાય છે, પરંતુ તેની પાછળનું કારણ એ છે કે આ કંપનીઓએ હવે સાવચેતીના ભાગરૂપે વિઝા માટે અરજીઓ કરવાનું જ ઘટાડી દીધું છે. આ પરિસ્થિતિમાં એમેઝોન, મેટા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી અમેરિકન ટેક જાયન્ટ્સ H-1B વિઝા મેળવવાની રેસમાં ભારતીય કંપનીઓ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે.
આ સમગ્ર મામલે ટેસ્લાના CEO ઇલોન મસ્કે ભારતીય પ્રતિભાઓના સમર્થનમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકાને ભારતીય ઇમિગ્રન્ટ્સની પ્રતિભાથી ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ઘણો ફાયદો થયો છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આજે વિશ્વની ટોચની કંપનીઓમાં ભારતીય મૂળના લોકો નેતૃત્વ કરી રહ્યા છે. ભલે હાલમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધો સારા નથી, તેમ છતાં મસ્ક દ્વારા ભારતીય પ્રતિભાના મહત્વ પર ભાર મૂકવો એ એક મોટી વાત છે.