ભારત-રશિયા ઓઇલ ડીલમાં મોટો ટ્વિસ્ટ: રૂપિયા-રૂબલ નહીં, હવે ચીનના યુઆનમાં થઈ રહ્યું છે પેમેન્ટ! રશિયન ડેપ્યુટી PMનો દાવો
India-Russia relations: રશિયાના નાયબ વડાપ્રધાને દાવો કર્યો છે કે ભારત હવે રશિયન ક્રૂડ ઓઇલ માટે રૂપિયા કે રૂબલને બદલે ચીનની કરન્સી યુઆનમાં પેમેન્ટ કરી રહ્યું છે. જાણો આ દાવાની પાછળનું કારણ અને ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધાભાસી નિવેદન વિશે વિગતે.
રશિયાનો દાવો: યુઆનમાં પેમેન્ટ શરૂ, પણ રૂબલ હજુ પણ મુખ્ય
India-Russia relations: ભારત અને રશિયા વચ્ચેના ક્રૂડ ઓઇલના વેપારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને એનર્જી માર્કેટમાં નવી ચર્ચા જગાવી છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ તેમને રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલેકઝેન્ડર નોવાકે એક સનસનીખેજ દાવો કર્યો છે. નોવાકના જણાવ્યા અનુસાર, ભારત હવે રશિયન ઓઇલની ખરીદી માટે રૂપિયા કે રૂબલ માં નહીં, પરંતુ ચીનની કરન્સી યુઆનમાં પેમેન્ટ કરી રહ્યું છે.
રશિયાનો દાવો: યુઆનમાં પેમેન્ટ શરૂ, પણ રૂબલ હજુ પણ મુખ્ય
રશિયન મીડિયાને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં, ડેપ્યુટી PM એલેકઝેન્ડર નોવાકે સ્પષ્ટપણે જણાવ્યું કે, "ભારત સાથેના અમારા એનર્જી સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે અને ભારત અમારું ટોચનું ક્રૂડ સપ્લાયર બની ગયું છે. પેમેન્ટની વાત કરીએ તો, હવે ભારતે કેટલાક ટ્રાન્ઝેક્શન માટે ચીનની કરન્સી યુઆનનો ઉપયોગ શરૂ કર્યો છે."
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હજુ પણ મોટાભાગનું પેમેન્ટ રશિયન કરન્સી રૂબલમાં જ થઈ રહ્યું છે અને યુઆનમાં થતા પેમેન્ટનો હિસ્સો હાલ ઓછો છે. આ દાવો જૂના રિપોર્ટ્સથી વિપરીત છે, જેમાં કહેવાયું હતું કે ભારત રશિયન ક્રૂડ માટે મુખ્યત્વે ભારતીય રૂપિયામાં જ ચુકવણી કરે છે.
શા માટે બદલાઈ રહી છે પેમેન્ટની રીત?
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ 2022થી પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે રશિયા માટે US ડોલરમાં વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. આ જ કારણ છે કે રશિયા પોતાના બિઝનેસ માટે યુઆન અને UAEની કરન્સી દિરહમ જેવા વૈકલ્પિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ પ્રતિબંધોને કારણે રશિયાએ પોતાના ક્રૂડ ઓઇલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું. આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવીને ભારતે રશિયન ક્રૂડની આયાત જે પહેલા માત્ર 1% હતી, તેને વધારીને લગભગ 40% સુધી પહોંચાડી દીધી છે. એનર્જી એન્ડ ક્લિન એર રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ચીન પછી ભારત રશિયન ક્રૂડનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ રહ્યો છે.
એક તરફ રશિયાનો દાવો, બીજી તરફ ટ્રમ્પનું નિવેદન
આ સમગ્ર મામલે સૌથી મોટો ટ્વિસ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દાવો કર્યો હતો કે, "મેં વડાપ્રધાન મોદી સાથે ભારત દ્વારા રશિયન ક્રૂડની સતત આયાત અંગે મારી ચિંતા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં PM મોદીએ મને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે."
ટ્રમ્પ આને એક મોટું રાજદ્વારી પગલું ગણાવી રહ્યા છે. જોકે, તેમના આ દાવા અંગે ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આમ, એક તરફ રશિયા પેમેન્ટ માટે નવી કરન્સીનો ઉપયોગ થતો હોવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ ભારત દ્વારા ખરીદી જ બંધ કરી દેવાની વાત કરી રહ્યા છે, જેણે સમગ્ર પરિસ્થિતિને વધુ ગૂંચવણભરી બનાવી દીધી છે.