ભારત-અમેરિકા વેપાર કરાર પર મોટી અપડેટ: દિલ્હીમાં 3 દિવસ ચાલશે મંત્રણા, શું ટેરિફ ઘટશે?
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે 3 દિવસીય બેઠક યોજાશે. જાણો આ ડીલથી ભારતીય નિકાસકારોને શું ફાયદો થશે અને ટેરિફ ઘટશે કે નહીં.
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટા અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટા અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ડીલને ફાઇનલ કરવા માટે અમેરિકાના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવી રહી છે, જ્યાં 3 દિવસ સુધી ચાલનારી બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.
શા માટે આ બેઠક ખાસ છે?
મળતી માહિતી મુજબ, અમેરિકન ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે. આ મહત્ત્વપૂર્ણ બેઠક 10 ડિસેમ્બરથી શરૂ થશે અને 12 ડિસેમ્બર સુધી ચાલશે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર સમજૂતીના પહેલા તબક્કાને આખરી ઓપ આપવાનો છે. આ ઉપરાંત, ભારતીય ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફમાં ઘટાડો કરવા અંગે પણ ચર્ચા થવાની પ્રબળ સંભાવના છે, જે ભારતીય નિકાસકારો માટે રાહતના સમાચાર લાવી શકે છે.
ટેરિફ અને રશિયન ક્રૂડ ઓઇલનો મુદ્દો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ મહિનામાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે ભારત પર લગાવેલો 25% ટેરિફ વધારીને સીધો 50% કરી દીધો હતો. આ નિર્ણય બાદ બંને દેશો વચ્ચે વેપાર કરારની વાતચીત અટકી ગઈ હતી. જોકે, સપ્ટેમ્બરમાં અમેરિકન અધિકારીઓની ભારત મુલાકાત બાદ ફરીથી વાતચીત શરૂ થઈ હતી અને હવે આ બીજી મુલાકાત ડીલને અંતિમ રૂપ આપી શકે છે.
બંને દેશો તરફથી મળ્યા સકારાત્મક સંકેતો
છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા બંને તરફથી આ ડીલને લઈને હકારાત્મક નિવેદનો આવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, "અમે જલ્દી જ એક સારી ડીલ ફાઇનલ કરી રહ્યા છીએ." ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ સપ્ટેમ્બરમાં ડીલ આગળ વધવાની વાત કહી હતી. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે જ અમેરિકા સાથે વેપાર સમજૂતી થઈ શકે છે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.
શું ટેરિફમાં ઘટાડો થશે?
છ રાઉન્ડની વાતચીત છતાં આ મુદ્દો ઉકેલાયો નથી. પરંતુ હવે બ્રોકરેજ ફર્મ નોમુરા એ પણ અનુમાન લગાવ્યું છે કે આ ડીલ જલ્દી જ ફાઇનલ થશે અને ભારત પર લાગુ 50% ટેરિફ ઘટીને 20% ની આસપાસ આવી શકે છે.
આ ડીલનો મુખ્ય લક્ષ્યાંક શું છે?
આ વેપાર કરારનો મુખ્ય ધ્યેય બંને દેશો વચ્ચેના વેપારને વેગ આપવાનો છે. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર લગભગ $191 અબજ છે. આ ડીલ દ્વારા 2030 સુધીમાં આ આંકડો વધારીને $500 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
આ ડીલ ભારતીય નિકાસકારો માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે 50% ટેરિફ લાગુ થયા બાદ ઓક્ટોબર મહિનામાં અમેરિકામાં ભારતની નિકાસમાં સતત બીજા મહિને 8.58% નો ઘટાડો જોવા મળ્યો હતો. જો આ ડીલ સફળ થાય છે, તો ભારતીય અર્થતંત્રને મોટી ગતિ મળી શકે છે.