PharmEasy CCPA: સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે ઓનલાઈન ફાર્મસી PharmEasy પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ 2 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી કંપની દ્વારા ગ્રાહકોની મરજી વગર ત્રણ મહિનાની મેમ્બરશિપ ઓટો-રિન્યૂ કરવાના મામલે કરવામાં આવી છે, જે 99ની હતી. CCPA એ કંપનીને એ તમામ ગ્રાહકોને પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો છે જેમની સહમતિ વગર આ શુલ્ક લેવામાં આવ્યો હતો.
'બાસ્કેટ સ્નીકિંગ' શું છે અને શા માટે કાર્યવાહી કરાઈ?
CCPA એ આ પદ્ધતિને 'બાસ્કેટ સ્નીકિંગ' નામની 'ડાર્ક પેટર્ન' ગણાવી છે. 'ડાર્ક પેટર્ન' એટલે એવી ડિઝાઈન અથવા યુક્તિ જે ગ્રાહકોને અજાણતા કોઈ સર્વિસ ખરીદવા કે પૈસા ચૂકવવા માટે મજબૂર કરે છે. આ એક પ્રકારની અનુચિત વ્યાપારિક પ્રથા છે. CCPA એ સ્પષ્ટ કર્યું કે 'ફાર્મઈઝી' એ ગ્રાહકોની સંમતિ વગર તેમની મેમ્બરશિપ ઓટો-રિન્યૂ કરી દીધી હતી.
CCPA એ સમજાવ્યું કે 'બાસ્કેટ સ્નીકિંગ'માં ચેકઆઉટ કરતી વખતે જ ગ્રાહકોની મરજી વગર પેઇડ ઓપ્શન અથવા સર્વિસઓ પહેલાથી જ પસંદ કરેલી અથવા આપમેળે ઉમેરેલી હોય છે. આનાથી કુલ ચૂકવવાપાત્ર રકમ ખોટી દેખાય છે. CCPA એ વધુમાં જણાવ્યું કે, "આ ગ્રાહકોની સ્વાયત્તતા નબળી પાડે છે અને ગ્રાહકોને એવી સર્વિસ માટે ચૂકવણી કરવા પ્રેરિત કરે છે જેના માટે તેમણે મરજીથી સંમતિ આપી ન હતી."
CCPA એ જાતે જ મામલો હાથ ધર્યો
જોકે, ફાર્મઈઝીએ જણાવ્યું હતું કે તેણે આ પદ્ધતિ બંધ કરી દીધી છે, પરંતુ CCPA એ નોંધ્યું કે કંપનીએ આ ફેરફાર ત્યારે કર્યો જ્યારે ઓથોરિટીએ પોતે આ મામલો ઉઠાવ્યો. CCPA એ કહ્યું, "સુધારણાના પગલાં પ્રતિક્રિયાત્મક હતા અને ફક્ત નિયમનકારી હસ્તક્ષેપ પછી જ લેવામાં આવ્યા હતા, જે પ્રારંભિક ઉલ્લંઘનની ગંભીરતામાં વધારો કરે છે."
CCPA એ જાતે જ આ મામલો હાથ ધર્યો જ્યારે તેમણે જોયું કે ફાર્મઈઝી પ્લેટફોર્મ પર ગ્રાહકોની કાર્ટમાં આપમેળે એક પેઇડ સર્વિસ જોડાઈ રહી હતી. ત્યારબાદ, તેમણે Axelia Solutions જે ફાર્મઈઝીની ઓપરેટર છે ને જૂન મહિનામાં એક કારણ બતાઓ નોટિસ જારી કરી.
કંપનીએ ભૂલ સ્વીકારી અને કાર્યવાહીના આદેશ
કંપનીએ સ્વીકાર્યું કે કેટલાક ગ્રાહકો માટે 'ઓટો-એડ' ફીચર ચાલુ હતું. તેમણે એમ પણ કહ્યું કે આ ફક્ત હાલના ગ્રાહકોને જ લાગુ પડતું હતું અને તેને બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કંપનીએ જણાવ્યું કે બેક-એન્ડમાં ફેરફારો કરવામાં 3થી 4 અઠવાડિયા લાગશે. પાછળથી તેમણે રેગ્યુલેટરને જાણ કરી કે આ ફીચર હટાવી દેવામાં આવ્યું છે.
CCPA એ તપાસમાં જાણવા મળ્યું કે આ પદ્ધતિ દ્વારા લગભગ 24,000 સબ્સ્ક્રિપ્શન્સ પ્રોસેસ કરવામાં આવ્યા હતા. ઓથોરિટીએ ફાર્મઈઝીને આ ફીચરને સંપૂર્ણપણે બંધ કરવા અને એ તમામ ગ્રાહકોને રિફંડ આપવાનો આદેશ આપ્યો છે જેમની સ્પષ્ટ સહમતિ વગર શુલ્ક લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ગ્રાહક સુરક્ષા પ્રત્યે CCPA ની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને વધુ પારદર્શક બનવા માટે પ્રોત્સાહિત કરશે.