Khodaldham cancer hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈભાઈ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું. સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હોસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે તેમ જણાવતા પ્રધાનમંત્રી શ્રી ઉમેર્યું હતું કે આ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે.
સરકારે છેલ્લા નવ વર્ષોમાં ૩૦ જેટલા કેન્સર હોસ્પિટલ શરૂ કર્યા
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં આવતીકાલે ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેના પૂર્વ દિવસે આદ્યશક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ એવા ખોડલધામમાં આ અનોખા અવસરના સાક્ષી બનવાની તક આપણને મળી છે. ખોડલધામ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખોડલધામે વિવિધ સેવાકીય કાર્યો થકી "જનસેવા એ જ પ્રભુસેવા"નું ધ્યેય સાર્થક કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં શહેરી, ગ્રામ્ય એમ દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી છે અને ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. રાજ્યની બે દાયકાની વિકાસ યાત્રાના સારથી એવા નરેન્દ્રભાઈભાઈ મોદીના દિશાનિર્દેશમાં આગળ વધતા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.