Saudi Arabia accident: સાઉદી અરેબિયામાં પવિત્ર ઉમરાની યાત્રાએ ગયેલા ભારતીય યાત્રીઓ માટે સોમવારનો દિવસ કાળ બનીને આવ્યો. મક્કાથી મદીના તરફ જઈ રહેલી એક બસ મુફ્રિહાત વિસ્તાર નજીક એક ડીઝલ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય યાત્રીઓ જીવતા સળગી જતાં તેમના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં મોટાભાગના યાત્રીઓ તેલંગાણાના હૈદરાબાદ શહેરના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં આગ ફાટી નીકળી હતી અને ઘણા યાત્રીઓને બચવાની તક પણ મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ સાઉદી પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, આગની લપેટમાં આવી જવાથી મોટાભાગના લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ગંભીર દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ તેલંગાણા સરકાર હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક મુખ્ય સચિવ અને ડીજીપીને સંપૂર્ણ માહિતી મેળવવા અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા હતા. રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય (MEA) અને સાઉદી અરેબિયામાં આવેલા ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. પીડિતોના પરિવારોને માહિતી અને સહાય પૂરી પાડવા માટે તેલંગાણા સચિવાલયમાં એક વિશેષ કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે અને નીચે મુજબના હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે:
આ ઉપરાંત, જેદ્દામાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ પીડિતોની મદદ માટે 24x7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. દૂતાવાસ દ્વારા એક ટોલ-ફ્રી નંબર 8002440003 પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરીને પીડિતોના પરિજનો વધુ માહિતી મેળવી શકે છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ દુર્ઘટના પર ગહેરો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દામાં વાણિજ્ય દૂતાવાસની ટીમો પ્રભાવિત ભારતીયો અને તેમના પરિવારોને સંપૂર્ણ મદદ પૂરી પાડી રહી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.