અયોધ્યામાં ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા પવિત્ર 'ધર્મ ધ્વજ' અને 21 કિલોગ્રામ સોનાથી મઢેલા ધ્વજદંડની પ્રથમ તસવીરો સામે આવી છે.
Ayodhya Ram Mandir, Dharma Dhwaj: અયોધ્યામાં ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા પવિત્ર 'ધર્મ ધ્વજ' અને 21 કિલોગ્રામ સોનાથી મઢેલા ધ્વજદંડની પ્રથમ તસવીરો સામે આવી છે. કેસરિયા રંગનો આ ધ્વજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિખર પર આરોહિત કરવામાં આવશે, જે રામ મંદિરના નિર્માણ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય રચશે. ખાસ વાત એ છે કે, શિખર પર લગાવવામાં આવેલો ધ્વજદંડ અને ધ્વજા બંને અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે, જે ગુજરાત માટે ગર્વનો વિષય છે.
નવા રામ મંદિરના નિર્માણ બાદ ગયા વર્ષે ભક્તો માટે શિખર વિના જ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે મંદિરનું શિખર સાથેનું સંપૂર્ણ માળખું તૈયાર થઈ ગયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ધ્વજારોહણ કરશે.
‘ધર્મ ધ્વજ’ની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા આ ધ્વજને 'ધર્મ ધ્વજ' અથવા તેના પર અંકિત સૂર્યની આકૃતિને કારણે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખવામાં આવશે. આ ધ્વજ અત્યંત મજબૂત બનાવવામાં આવ્યો છે જેથી તે કઠોર હવામાન પરિસ્થિતિઓ જેવી કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને પ્રતિ કલાક 60 કિલોમીટર જેટલી તીવ્ર ગતિના પવનો સામે પણ ટકી શકે.
ધ્વજની વિગતો નીચે મુજબ છે:
* લંબાઈ: 22 ફૂટ
* પહોળાઈ: 11 ફૂટ
* વજન: 2.5 કિલો
* રંગ: કેસરી
* ધ્વજ પર અંકિત પ્રતીકો: ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
* મટીરિયલ: નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
* આયુષ્ય: 3 વર્ષ (દર 3 વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
21 કિલોગ્રામ સોનાથી મઢેલો ધ્વજદંડ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના 161 ફૂટ ઊંચા ધ્વજદંડને હવે સંપૂર્ણપણે સોનાથી મઢવામાં આવ્યો છે. આ ભવ્ય કાર્ય માટે આશરે 21 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે મંદિરના શિખરને એક અદ્ભુત અને દિવ્ય દેખાવ આપ્યો છે. આ મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય પૂર્ણ કરવા માટે મુંબઈના નિષ્ણાત કારીગરોને ખાસ બોલાવવામાં આવ્યા હતા.
નાગર શૈલીના શિખર પર સ્થાપના
આ 'ધર્મ ધ્વજ' પરંપરાગત ઉત્તર ભારતીય નાગર શૈલીમાં નિર્મિત મંદિરના 'શિખર' પર ગર્વભેર લહેરાવવામાં આવશે. આ પવિત્ર ભગવો ધ્વજ 'રામ રાજ્ય'ના આદર્શોને પ્રતિબિંબિત કરતો, ગરિમા, એકતા અને સાંસ્કૃતિક નિરંતરતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવશે.
ધ્વજારોહણના મુહૂર્ત અને પૂજાની ટાઈમલાઈન
ધર્મ ધ્વજા રોહણનો શુભ દિવસ માગશર સુદ પાંચમ, મંગળવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રસંગની પૂજા અને વિધિ માટેની ટાઈમલાઈન નીચે મુજબ છે:
* 11:36 થી 11:47 વાગ્યે: ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
* 11:47 થી 11:58 વાગ્યે: અષ્ટોત્તરપૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ
* 11:58 થી 12:07 વાગ્યે: પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
* 12:08 થી 12:16 વાગ્યે: મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ
* 12:16 થી 12:20 વાગ્યે: "ઉત્તિષ્ઠત જાગ્રત નાદતઃ" ના ઉચ્ચાર સાથે ધ્વજા ફરકાવાશે
* 12:21 થી 12:31 વાગ્યે: અભિષેક, યજ્ઞ વિધાન, પુષ્પવર્ષા, ગન્ધવિલેપનમ્
* 12:32 થી 1:00 વાગ્યા સુધી: વિગ્રહ સ્થાને મહા આરતી તથા મંગલ ઘોષ થશે. મહા આરતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ થશે.
ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. આ પવિત્ર પ્રસંગ સાથે તેઓ મંદિરમાં ભગવાન શ્રી રામની વિધિવત પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાંથી તેઓ રોડ શો કરીને મંદિર સુધી પહોંચશે. સુરક્ષાના કારણોસર, આજના દિવસે મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. ફક્ત આમંત્રણ પામેલા મહેમાનોને જ QR કોડની મદદથી એન્ટ્રી મળશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.