India-China flight: ભારત-ચીન વચ્ચે 5 વર્ષ બાદ ફરી ડાયરેક્ટ ફ્લાઈટ, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ દિલ્હી-શાંઘાઈ ઉડાન શરૂ કરશે
India-China flight: ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ 9 નવેમ્બર 2025થી દિલ્હી-શાંઘાઈ વચ્ચે ઉડાન શરૂ કરશે. જાણો ફ્લાઈટની વિગતો, સમય અને ટિકિટના ભાવ.
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી બંધ રહેલી હવાઈ સેવા હવે ફરી શરૂ થવા જઈ રહી છે.
India-China flight: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી બંધ રહેલી હવાઈ સેવા હવે ફરી શરૂ થવા જઈ રહી છે. ઈન્ડિગો બાદ હવે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે પણ ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એરલાઈન 9 નવેમ્બર 2025થી દિલ્હી અને શાંઘાઈ વચ્ચે સીધી ઉડાનો શરૂ કરશે. આ નિર્ણય બંને દેશોના યાત્રીઓ અને વેપારીઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે.
આ પગલું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તાજેતરમાં થયેલા કરાર બાદ લેવામાં આવ્યું છે. ગયા મહિને મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ચીનની મુલાકાત લીધી હતી, જે સાત વર્ષમાં તેમની પ્રથમ ચીન યાત્રા હતી. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે આર્થિક અને હવાઈ સંબંધોને ફરી પાટે ચઢાવવાના પ્રયાસો તેજ થયા છે. 2020માં સરહદ વિવાદ બાદ આ ઉડાનો પર રોક લગાવી દેવામાં આવી હતી.
ફ્લાઈટની વિગતો
ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની દિલ્હી-શાંઘાઈ ફ્લાઈટ 9 નવેમ્બર 2025થી શરૂ થશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ બુધવાર, શનિવાર અને રવિવાર ચાલશે. શાંઘાઈથી બપોરે 12:50 વાગે (લોકલ ટાઈમ) ઉડાન ભરશે અને સાંજે 5:45 વાગે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી સાંજે 7:55 વાગે ઉડાન ભરશે અને બીજા દિવસે સવારે 4:10 વાગે (લોકલ ટાઈમ) શાંઘાઈ પહોંચશે.
ટિકિટના ભાવ અને બુકિંગ
ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે ટિકિટના ભાવને સસ્તું રાખ્યા છે, જેથી વધુ યાત્રીઓ આકર્ષાય. દિલ્હીથી શાંઘાઈની ઈકોનોમી ક્લાસની ટિકિટનો ભાવ 22350 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ 88950 રૂપિયાથી શરૂ થાય છે. ટિકિટ બુકિંગ એરલાઈનની વેબસાઈટ અને અન્ય ટ્રાવેલ પોર્ટલ્સ પર શરૂ થઈ ગયું છે.
ઈન્ડિગો પણ શરૂ કરશે ફ્લાઇટ
ઈન્ડિગો એરલાઈન્સ પણ કોલકાતાથી ગ્વાંગઝૂ વચ્ચે દરરોજ નોન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરી રહી છે. આનાથી ભારતીય યાત્રીઓને ચીન જવા માટે બે મોટા વિકલ્પો મળશે - એક દિલ્હીથી અને બીજો કોલકાતાથી. આ નવી ફ્લાઈટ્સ બંને દેશો વચ્ચે વેપાર અને પ્રવાસનને વધારવામાં મદદ કરશે. યાત્રીઓ માટે આ એક સરળ અને સસ્તો વિકલ્પ હશે.