GUJARAT FARMER: કપાસના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે.. અને ગુજરાત દેશમાં મોખરે છે. ખેડૂતો માટે તો કપાસ સફેદ સોના સમાન છે, પણ હવે આ ખેડૂતોના સફેદ સોનાને કાટ લાગ્યો છે, કપાસનો પાક લેવા ખેડૂતો રાત દિવસ એક કરે છે, પરસેવો રેડે છે અને એટલો જ પૈસો પણ રેડે છે એ આશા કે કપાસના સારા ભાવ મળશે પરંતુ કપાસ જ્યારે માર્કેટમાં વેચાવા પહોંચે છે તો ખેડ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી. જે કપાસનો ગત વર્ષે 2600 રૂપિયા ભાવ બોલાતો હતો. તેનો ભાવ આજે અડધો થઈ ગયો છે એટલે કે 1300 રૂપિયા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ થાય છે પણ ભાવ ન મળતા ખેડૂતોની હાલત એવી બની છે ન રહેવાય ન સહેવાય.
સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કપાસનો મબલખ પાક લેવામાં આવે છે, પરંતુ ત્યાં પણ કપાસના ભાવ તળિયે છે, ખેડૂતો કહી રહ્યા છે રવિપાકની મજબૂરીના કારણે ઓછા ભાવે કપાસ વેચવા અમે મજબૂર છીએ.
કારણ સ્પષ્ટ છે એક તો સરકારની ઉદાસીન નીતિ અને બીજો કુદરતો માર, પાછોતરા વરસાદ કપાસમાં રોગચાળો ફેલાવે છે જેનાથી ઉત્પાદન ઘટે છે આ બધા વચ્ચે કપાસ પાછળ થતો ખર્ચ કોઈ ઓછો થતો નથી સ્થિતિ એવી બને છે કે મજબૂરીનો માર્યો ખેડૂત કરે તો કરે શું અને નીચા ભાવે પણ ખેડૂત કપાસ વેચવા મજબૂર બને છે. હાલ તો ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકારે કપાસના ભાવ નિયંત્રિત કરવા જોઈએ. તેમજ આયાત નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ જેથી કપાસની સાથે ખેડૂતોનો જીવ ન સુકાય.