Surya Namskar Record : ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે.
સાથે જ મુખ્યમંત્રીએ વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું.