Gujarat rain: શ્રાવણ મહિનામાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે રાજ્યના 183 તાલુકામાં મેઘમહેર જોવા મળી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 16 ઓગસ્ટના સવારે 6:00થી રાત્રે 8:00 સુધી 183 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ જૂનાગઢના ભેંસાણમાં 3.74 ઇંચ નોંધાયો.
જૂનાગઢના ભેંસાણ ઉપરાંત, દાંતીવાડામાં 3.58 ઇંચ, ધારીમાં 2.99 ઇંચ, જામકંડોરણામાં 2.80 ઇંચ અને હળવદમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, દસાડા, રાણપુર, ખેડા, ઉના, લીંબડી અને હાંસોટમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. કુલ 11 તાલુકામાં 2 ઇંચથી વધુ, જ્યારે 172 તાલુકામાં 1થી 50 મીમી વરસાદ નોંધાયો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં ચાર વાતાવરણીય સિસ્ટમ સક્રિય છે, અને ટૂંક સમયમાં પાંચમી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે. 17 ઓગસ્ટે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
આ વરસાદ ખેતી માટે શ્રીકાર સાબિત થઈ રહ્યો છે, પરંતુ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના નાગરિકોને હવામાનની આગાહી પર નજર રાખવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.