ઘટના સ્થળથી મળેલી I-20 કારમાંથી મળેલા મૃતદેહનો DNA ટેસ્ટ કરવામાં આવશે
રાજધાનીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બહાર થયેલા વિસ્ફોટની તપાસમાં આજે મોટા ખુલાસા સામે આવ્યા છે. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ એક આત્મઘાતી આતંકી હુમલો હતો, જેમાં હ્યુન્ડાઈ I-20 કારમાં વિસ્ફોટકો ભરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. સૌથી મોટો ખુલાસો એ છે કે આ હુમલા પાછળ ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલનો હાથ છે, અને મુખ્ય આરોપી ડૉ. ઉમર મોહમ્મદ છે, જેને પકડાવાનો ડર લાગતાં તેણે આ કૃત્ય કર્યું.
હુમલાની વિગતો અને તપાસના પ્રારંભિક તારણો
ઘટના સ્થળથી મળેલી I-20 કારમાંથી મળેલા મૃતદેહનો DNA ટેસ્ટ કરવામાં આવશે, જેથી ખાતરી થઈ શકે કે તે ડૉ. ઉમર મોહમ્મદ જ છે કે નહીં. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે કારમાં કાળુ માસ્ક પહેરેલો આ વ્યક્તિ ડૉ. ઉમર હતો. CCTV ફૂટેજમાં તેને કારમાં એકલા જોવા મળ્યો છે. સૂત્રો કહે છે કે વિસ્ફોટ વખતે તે કારમાં એકલો હતો, પરંતુ તેણે પહેલાં બે અન્ય સાથીઓ સાથે મળીને આ યોજના ઘડી હતી.
ફરીદાબાદમાં તાજેતરમાં જંગી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ મળ્યા બાદ પોલીસ ડૉ. ઉમરને શોધી રહી હતી. જ્યારે મોડ્યુલમાં ધરપકડો વધવા લાગી, ત્યારે તેને પકડાવાનો ભય થયો અને ઉતાવળમાં તેણે આ હુમલો કર્યો. સોમવારે બપોરે 1 વાગ્યે જમ્મુ-કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ તેને શોધતી હતી. ડૉ. ઉમર કાશ્મીરનો રહેવાસી છે અને તે આતંકી મોડ્યુલનો મુખ્ય સભ્ય હતો.
કારનો માર્ગ અને CCTV તપાસ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે I-20 કાર (નંબર HR 26 7624)ના રૂટનું CCTV મેપિંગ કર્યું છે. કાર છેલ્લી વખત બદરપુર બોર્ડર પરથી દિલ્હીમાં પ્રવેશતી જોવા મળી હતી. તે પહેલાં લાલ કિલ્લા પાસે સુનહેરી મસ્જિદની પાર્કિંગમાં 3 કલાકથી વધુ સમય સુધી ઊભી રહી – બપોરે 3:19 વાગ્યે પ્રવેશી અને સાંજે 6:48 વાગ્યે નીકળી. તરત જ વિસ્ફોટ થયો.
પોલીસે 100થી વધુ CCTV ક્લિપ્સ તપાસી છે, જેમાં કાર પાર્કિંગમાં પ્રવેશતી અને ત્યાંથી નીકળતી જોવા મળે છે. હવે દરિયાગંજ રૂટ પર વાહનો અને નજીકના ટોલ પ્લાઝાના વીડિયોની તપાસ ચાલુ છે. આ તમામ પુરાવા બતાવે છે કે ડૉ. ઉમર કારમાં એકલો હતો.
કારનું જમ્મુ-કાશ્મીર કનેક્શન અને ધરપકડો
આ કાર મૂળ રૂપે મોહમ્મદ સલમાનની હતી, જે તેણે નદીમને વેચી. નદીમે તેને ફરીદાબાદના રોયલ કાર ઝોન ડીલરને વેચ્યું, જ્યાંથી તારીકે ખરીદી. પછી તે ડૉ. ઉમરને મળી. કાર ગુરુગ્રામ RTOમાં નોંધાયેલી હતી. તારીકને ગઈકાલે પુલવામાના સાંબુરામાં અટકાયતમાં લેવામાં આવ્યો છે, જોકે RC તેના નામે નથી. સૂત્રો કહે છે કે 2015માં તારીકે ઉમરને કાર આપી હતી. આ સોદામાં આમિર પણ જોડાયેલો છે. પોલીસે સલમાન, તારીક અને અન્યોની પૂછપરછ કરી રહી છે.
પહેલાં પોલીસે કહ્યું હતું કે કારમાં 3 લોકો હતા, પરંતુ હવે તપાસમાં સ્પષ્ટ થયું કે ડૉ. ઉમર એકલો હતો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, "વિસ્ફોટ ચાલતી કારમાં થયો. ઘાયલોમાં કોઈ છરા કે પંચરના નિશાન નથી, જે આત્મઘાતી હુમલાનું સંકેત આપે છે." સલમાનને મોડી સાંજે અટકાયતમાં લેવામાં આવી, અને કારનું ટ્રેક – ઓખલા, અંબાલા અને પુલવામા – તપાસાઈ રહ્યું છે.
ફરીદાબાદ મોડ્યુલનું JeM સાથે જોડાણ
આ વિસ્ફોટ ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે સીધો જોડાયેલો છે, જેનો તાજેતરમાં જમ્મુ-કાશ્મીર પોલીસે પર્દાફાશ કર્યો. આ મોડ્યુલ જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે લિંક્ડ છે. મોડ્યુલમાં 2 પુરુષો અને 1 મહિલા ડૉક્ટર સામેલ હતા. પોલીસે 7 આરોપીઓ – જેમાં ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ (ફરીદાબાદ), ડૉ. આદિલ અહેમદ રાથેર (પુલવામા) અને ડૉ. શાહીન શાહિદ (લખનઉ)ની ધરપકડ કરી છે. જપ્ત 2,900 કિલો વિસ્ફોટકો, શસ્ત્રો અને અન્ય વસ્તુઓમાંથી આ મોડ્યુલની તીવ્રતા સમજાય છે.
કાયદાકીય કાર્યવાહી
દિલ્હી પોલીસે UAPAની કલમ 16 અને 18 હેઠળ FIR નોંધી છે, જે આતંકી કૃત્યો અને સજા સાથે જોડાયેલી છે. વિસ્ફોટક પદાર્થો અધિનિયમની કલમ 3-4 તથા હત્યા-પ્રયાસની કલમો પણ ઉમેરાઈ છે. તપાસ ઝડપથી આગળ વધી રહી છે, અને વધુ ધરપકડોની અપેક્ષા છે.