ગુજરાતમાં મહિલાઓ કેટલી સલામત? દરરોજ 206 મહિલાઓ બને છે ઘરેલુ હિંસાનો શિકાર, આઘાતજનક આંકડાઓ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં મહિલાઓ કેટલી સલામત? દરરોજ 206 મહિલાઓ બને છે ઘરેલુ હિંસાનો શિકાર, આઘાતજનક આંકડાઓ

Women safety Gujarat: ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં દરરોજ સરેરાશ 206 મહિલાઓ તેનો ભોગ બને છે. જાણો અભયમ્ હેલ્પલાઇનના આંકડા, કાયદાકીય જોગવાઈઓ અને સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાઓ વિશે.

અપડેટેડ 10:56:27 AM Nov 25, 2025 પર
Story continues below Advertisement
દર વર્ષે 25 નવેમ્બરને ‘મહિલા સામે હિંસા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અભયમ્ દ્વારા જાહેર કરાયેલી વિગતો આંખ ઉઘાડનારી છે.

Domestic violence Gujarat: ગુજરાતમાં મહિલા સુરક્ષા એક મોટો પ્રશ્નાર્થ બની રહી છે, જ્યારે ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે 67,000થી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બની ચૂકી છે, જે દર્શાવે છે કે રોજેરોજ સરેરાશ 206 મહિલાઓ આવા અત્યાચારનો સામનો કરી રહી છે. આ આંકડાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

વર્ષ 2025ના આંકડાઓ મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મહિલાઓ સામેની હિંસાના કેસમાં અમદાવાદ જિલ્લો સૌથી આગળ છે. અમદાવાદમાં 33,869 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 12414, રાજકોટમાં 11781, વડોદરામાં 11308 અને ભાવનગરમાં 6180 કેસ નોંધાયા છે. આ આંકડાઓ શહેરી વિસ્તારોમાં પણ ઘરેલું હિંસાનું પ્રમાણ વધારે હોવાનું સૂચવે છે.

મહિલાઓ માટેની 'અભયમ્' હેલ્પલાઇનની ભૂમિકા આ સંજોગોમાં અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. દર વર્ષે 25 નવેમ્બરને ‘મહિલા સામે હિંસા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અભયમ્ દ્વારા જાહેર કરાયેલી વિગતો આંખ ઉઘાડનારી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અભયમ્ હેલ્પલાઇન પર 1,68,041 થી વધુ કોલ્સ આવ્યા છે, જેમાંથી અંદાજે 40 ટકા કોલ્સ ઘરેલું હિંસા સંબંધિત હતા. ગયા વર્ષે અભયમમાં 2,17,228 કોલ્સ આવ્યા હતા, જે દર્શાવે છે કે દરરોજ સરેરાશ 595 કોલ્સ આવતા હતા. આ વર્ષે કોલ્સની સંખ્યા થોડી ઓછી દેખાઈ રહી છે, પરંતુ ઘરેલું હિંસાના કોલ્સનું ઊંચું પ્રમાણ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

છેલ્લા પાંચ વર્ષના ગુજરાતના કુલ આંકડાઓ પર નજર કરીએ તો, મહિલાઓ સામેની હિંસાના કેસ સતત વધી રહ્યા છે, જે આઘાતજનક છે. વર્ષ 2021માં 1,65,664 કેસ, 2022માં 1,85,746 કેસ, 2023માં 2,18,281 કેસ, 2024માં 2,17,228 કેસ અને 2025માં 1,68,041 કેસ નોંધાયા છે. આમ, કુલ 8,55,260 કેસ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં નોંધાયા છે.

અમદાવાદ જિલ્લાના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. 2021માં 26,999 કેસ, 2022માં 31,612 કેસ, 2023માં 40,027 કેસ, 2024માં 44,791 કેસ અને 2025માં 33,869 કેસ નોંધાયા છે. કુલ મળાવીને, છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં 1,77,298 કેસ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતના સૌથી મોટા શહેરમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી.


ઘરેલું હિંસાના કિસ્સાઓમાં કાયદાકીય સુરક્ષા ખૂબ જ મહત્વની છે. જાણકારોના મતે, ઘરેલું હિંસાનો કાયદો 2005માં અસ્તિત્વમાં આવ્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઈઓમાંની એક એ છે કે, આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં થયેલી હિંસાને પણ તેમાં આવરી શકાય છે. અગાઉના કાયદાઓ માત્ર પત્ની, માતા અને પુત્રી પૂરતા મર્યાદિત હતા, પરંતુ 2005ના આ કાયદાએ સ્ત્રીની વ્યાખ્યાને વિસ્તૃત કરી છે. હવે તેમાં દરેક સ્ત્રી, જેમાં પ્રેમ સંબંધમાં રહેતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેને રક્ષણ મળે છે.

ઘણીવાર મહિલાઓ સામાજિક બદનામી અને પરિવારની આબરૂના ડરથી થતા અત્યાચાર સહન કરતી રહે છે. પરંતુ, દરેક મહિલાને પોતાનું જીવન સન્માનપૂર્વક જીવવાનો પૂર્ણ અધિકાર છે. પતિ જો હાથ ઉપાડે તો પત્નીએ સમાજ કે સગાંસંબંધીઓનો વિચાર કર્યા વિના કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલાં લેવા તે દરેક મહિલાનો અધિકાર અને ફરજ છે. સમાજ અને સરકારે પણ આ દિશામાં વધુ સક્રિય અને સંકલિત પ્રયાસો કરવા અનિવાર્ય છે.

આ પણ વાંચો- અરુણાચલ પ્રદેશનો વિવાદ વકર્યો: શાંઘાઈમાં ભારતીય યુવતી સાથે 18 કલાક દુર્વ્યવહાર, ભારતે ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ, જાણો શું કહ્યું?

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2025 10:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.