ભારતમાં ગંભીર ગુનાઓ માટે દોષિતોને મૃત્યુદંડ આપવા માટે વર્ષોથી ફાંસીની સજાનો અમલ કરવામાં આવે છે. પરંતુ શું આ સજા માનવીય છે?
Supreme Court Death Penalty: ભારતમાં ગંભીર ગુનાઓ માટે દોષિતોને મૃત્યુદંડ આપવા માટે વર્ષોથી ફાંસીની સજાનો અમલ કરવામાં આવે છે. પરંતુ શું આ સજા માનવીય છે? શું સમય સાથે આ સિસ્ટમમાં બદલાવની જરૂર નથી? આ જ સવાલો હવે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યા છે. એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટપણે પૂછ્યું છે કે, "મૃત્યુદંડ આપવા માટે ફાંસીની જગ્યાએ ઘાતક ઇન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઈ શકે?"
શું છે સમગ્ર ડિબેટ અને અરજીકર્તાની દલીલ?
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક PILમાં એવી માગ કરવામાં આવી છે કે ફાંસીની સજા અત્યંત ક્રૂર, અમાનવીય અને પીડાદાયક છે. અરજીકર્તાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે બંધારણ દ્વારા આપવામાં આવેલ "સન્માનજનક મૃત્યુના અધિકાર"ને પણ ધ્યાનમાં લેવો જોઈએ.
તેમણે કહ્યું કે, અમેરિકા જેવા ઘણા વિકસિત દેશો હવે મૃત્યુદંડ માટે ફાંસીને બદલે ઘાતક એટલે કે ઝેરી ઇન્જેક્શન (Lethal ઇન્જેક્શન)નો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઓછી પીડાદાયક માનવામાં આવે છે. અરજીમાં એવા ઓપ્શન પણ સૂચવવામાં આવ્યા હતા કે ફાંસીને બદલે ફાયરિંગ સ્ક્વોડ, ઇલેક્ટ્રિક કરંટ કે ગેસ ચેમ્બર જેવા વિકલ્પો વિચારી શકાય છે. દલીલ મુજબ, જ્યાં ફાંસીની પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે અને તે અત્યંત દર્દનાક હોય છે, ત્યાં અન્ય વિકલ્પોમાં માત્ર 5 મિનિટમાં જ દોષિતનું મૃત્યુ થઈ જાય છે.
એટલું જ નહીં, અરજીમાં એક મહત્વનો મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો કે દોષિત કેદીને એ વિકલ્પ તો આપી જ શકાય કે તે કઈ પદ્ધતિથી મૃત્યુદંડની સજા ઈચ્છે છે.
કેન્દ્ર સરકારનો જૂનો જ જવાબ, સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી
આ મામલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, કેદીને મૃત્યુદંડ માટે વિકલ્પ આપવો એ એક પોલિસી મેટર (નીતિગત મામલો) છે. તેમણે એમ પણ કહ્યું કે, ફાંસીની જગ્યાએ અન્ય કોઈ પદ્ધતિથી સજા આપવી પ્રેક્ટિકલી શક્ય નથી.
કેન્દ્ર સરકારના આ વલણ સામે સુપ્રીમના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, "સમસ્યા એ છે કે સરકાર પોતે જ સજાની આ પદ્ધતિને બદલવા માટે તૈયાર નથી. ફાંસીની સજા એક બહુ જૂની પ્રક્રિયા છે, જ્યારે સમય સાથે ઘણો બદલાવ આવી ચૂક્યો છે. એવું લાગે છે કે કેન્દ્ર સરકાર સમય સાથે પોતાના વિચારો વિકસિત કરવા તૈયાર નથી."
જ્યારે સરકારે ફરીથી આ મામલો પોલિસી સાથે જોડાયેલો હોવાની દલીલ કરી, ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારે. હવે આ કેસની આગામી સુનાવણી 11 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર પાસેથી વિસ્તૃત જવાબની અપેક્ષા રાખવામાં આવી રહી છે.