પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ફરી અમેરિકાની મુલાકાતે જશે, 2 મહિનામાં બીજો પ્રવાસ, બંને દેશ વચ્ચે શું ચાલી રહ્યું છે?
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો હાલમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. અસીમ મુનીરનો આ બીજો પ્રવાસ અને ટ્રમ્પ પ્રશાસનની પાકિસ્તાન તરફી નીતિઓ આ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની ઝલક આપે છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ તેમનો બે મહિનામાં બીજો અમેરિકા પ્રવાસ છે. આ વખતે તેઓ યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ માઈકલ ઈ. કુરિલ્લાના વિદાય સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ સમારોહ ફ્લોરિડાના ટેમ્પામાં આવેલા CENTCOM હેડક્વાર્ટરમાં યોજાશે.
અમેરિકા-પાકિસ્તાન સંબંધોમાં ગરમાવો
એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે ટેરિફ વોર શરૂ કર્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પ્રત્યેનો તેમનો ખાસ લગાવ ચર્ચામાં છે. જૂન મહિનામાં અસીમ મુનીરે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે લગભગ બે કલાક સુધી લંચ દરમિયાન ચર્ચા કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે, મુનીરે ટ્રમ્પને ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ રોકવા માટે નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ કરી હતી, જેના કારણે આ મુલાકાત યોજાઈ હતી.
જનરલ કુરિલ્લાનો પાકિસ્તાન પ્રેમ
CENTCOM કમાન્ડર જનરલ માઈકલ કુરિલ્લા પાકિસ્તાનના મોટા સમર્થક રહ્યા છે. તેમણે આતંકવાદ, ખાસ કરીને ઈસ્લામિક સ્ટેટ - ખુરાસાન (ISIS-K) સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકાની સતત પ્રશંસા કરી છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. ગયા જુલાઈમાં કુરિલ્લાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જે બાદ હવે મુનીર તેમના વિદાય સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા છે.
ટ્રમ્પની પાકિસ્તાનને તરફેણ
અમેરિકા હાલમાં પાકિસ્તાન પ્રત્યે ખૂબ જ ઉદાર દેખાઈ રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કર્યો છે, જે 29 ટકાથી ઘટાડીને 19 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમેરિકાએ પાકિસ્તાન સાથે તેલ સંબંધિત એક મહત્વનો કરાર પણ કર્યો છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા પાકિસ્તાનને મળેલી આર્થિક મદદમાં પણ અમેરિકાનો મોટો હાથ હોવાનું માનવામાં આવે છે.
પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓની અમેરિકા યાત્રા
અસીમ મુનીર ઉપરાંત પાકિસ્તાનના એરફોર્સ ચીફ જહીર અહમદ બાબર સિદ્ધુએ પણ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી. આ વારંવારના દૌરા બંને દેશો વચ્ચે વધતા સહકાર અને રણનીતિક સંબંધોનો સંકેત આપે છે.