નોકરી છોડી લોકો બન્યા પોતાના બોસ! 6 વર્ષમાં ભારતમાં રોજગારની તસવીર બદલાઈ, સ્વ-રોજગારમાં અભૂતપૂર્વ ઉછાળો
Employment in India: છેલ્લા 6 વર્ષમાં ભારતમાં નોકરીનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. HSBCના એક નવા રિપોર્ટ મુજબ, લોકો હવે પગારદાર નોકરી કરતાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જાણો આ મોટા ફેરફાર પાછળના આંકડા અને કારણો.
Self-employment India: છેલ્લા 6 વર્ષમાં ભારતના રોજગાર બજારમાં એક એવો ક્રાંતિકારી બદલાવ આવ્યો છે, જેણે લોકોની નોકરી પ્રત્યેની વિચારસરણીને જ બદલી નાખી છે. એક સમય હતો જ્યારે મોટાભાગના યુવાનો માટે સ્થિર પગારવાળી નોકરી જ સફળતાની નિશાની ગણાતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને લોકો 'પોતાના બોસ' બનવા તરફ આગળ વધી રહ્યા છે.
ભારતમાં રોજગારની આખી તસવીર છેલ્લા છ વર્ષમાં ઝડપથી બદલાઈ છે. HSBC બેંકના એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2018 (FY18)થી નાણાકીય વર્ષ 2024 (FY24) વચ્ચે દેશમાં જેટલી પણ નવી નોકરીઓનું સર્જન થયું, તેમાં સૌથી મોટો અને પ્રભાવશાળી હિસ્સો સ્વ-રોજગાર (Self-employment)નો રહ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે ભારતીયો બીજા માટે કામ કરવાને બદલે પોતાના માટે કામ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
સ્વ-રોજગારમાં જોવા મળ્યો અકલ્પનીય ઉછાળો
રિપોર્ટના આંકડા ખૂબ જ રસપ્રદ છે. નાણાકીય વર્ષ 2018માં જ્યાં દેશમાં 23.9 કરોડ લોકો સ્વ-રોજગાર સાથે જોડાયેલા હતા, ત્યાં નાણાકીય વર્ષ 2024 સુધીમાં આ આંકડો વધીને 35.8 કરોડ પર પહોંચી ગયો. આ વાર્ષિક 7%નો ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર (CAGR) છે, જેણે નોકરીની અન્ય તમામ શ્રેણીઓને પાછળ છોડી દીધી છે. તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન પગારદાર નોકરીઓ 10.5 કરોડથી વધીને માત્ર 11.9 કરોડ સુધી પહોંચી, જેનો વૃદ્ધિ દર માત્ર 4.1% રહ્યો. કેઝ્યુઅલ લેબર જોબ્સમાં તો માત્ર 1.1% નો નજીવો વધારો નોંધાયો હતો.
વર્કફોર્સમાં પણ ઐતિહાસિક વધારો
આ રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ભારતનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) એટલે કે કામ કરવા યોગ્ય વસ્તીનો હિસ્સો પણ વધ્યો છે. નાણાકીય વર્ષ 2018માં જે 53% હતો તે નાણાકીય વર્ષ 2024માં વધીને 64.3% થઈ ગયો. આનો અર્થ છે કે 15થી 59 વર્ષની વયજૂથના વધુ લોકો હવે કામ કરી રહ્યા છે અથવા રોજગાર શોધી રહ્યા છે. કુલ મળીને નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતમાં 61.4 કરોડ લોકો રોજગારમાં હતા, જેમાંથી 54% બિન-કૃષિ ક્ષેત્રમાં અને 46% કૃષિ ક્ષેત્રમાં કાર્યરત હતા.
મહિલાઓની રેકોર્ડબ્રેક ભાગીદારી
આ સમયગાળાનો સૌથી આશ્ચર્યજનક અને સકારાત્મક બદલાવ મહિલાઓની રોજગારમાં વધેલી ભાગીદારી છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં કુલ 15.5 કરોડ નવી નોકરીઓમાંથી 10.3 કરોડ નોકરીઓ મહિલાઓને મળી હતી. મહિલા રોજગારમાં થયેલો આ વધારો પુરુષોની સરખામણીમાં લગભગ બમણો હતો. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ મોટી જોવા મળી, જ્યાં 7.4 કરોડ મહિલાઓ કાર્યરત હતી.
કયા સેક્ટરે આપી સૌથી વધુ તકો?
બિન-કૃષિ નોકરીઓમાં સર્વિસ સેક્ટરનો દબદબો રહ્યો, જેણે 4.1 કરોડ નવી નોકરીઓ આપી. આ ઉપરાંત, બાંધકામ ક્ષેત્રે 2 કરોડ નવી નોકરીઓ અને ઉત્પાદન ક્ષેત્રે 1.5 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું. ઉત્પાદન ક્ષેત્રમાં ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરનો 33% હિસ્સો હતો. MSME સેક્ટર પણ રોજગારનું એક મોટું એન્જિન સાબિત થયું, જેણે નાણાકીય વર્ષ 2024માં ઉત્પાદન અને સેવા ક્ષેત્રના કુલ રોજગારમાં 48% યોગદાન આપ્યું.